પૃષ્ઠ:Balvartao.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લગાડવા વાંદરાનાં હાડકાંનું તેલ મંગાવશે. તાત્કાલિક વાંદરાં ક્યાંથી મળે ? એટલે રાજા આપણને મરાવી નાખશે અને આપણાં હાડકાંનું તેલ કઢાવશે. અને એમ આપણો નાશ થશે. માટે એવો કોઈ બનાવ બને તે પહેલાં જ આપણે અહીંથી ભાગી જવું જોઈએ.'

લગભગ બધાં જવાંદરાં આ વાત સાંભળીને હસી પડ્યાં. એક જુવાન વાંદરો બોલ્યો : 'દાદા ! તમારી તો સાંઠે બુદ્ધિ નાઠી લાગે છે ! તમે તો બહુ જ લાંબા લાંબા વિચાર કરો છો. અને આપણી જિંદગી છે ટૂંકી. માટે હાલ જે સુખસાહ્યબી મળી રહી છે તેને ભોગવો અને શાંતિથી ઊંઘી જાઓ.'

'નહિ. હું બહુ વિચારીને કહું છું. હું આજે જ અહીંથી ભાગી જાઉં છું. તમે આવો... ન આવો એ તમારી મરજીની વાત છે. પરંતુ હું તમને ચેતવી દઉં છું કે આવી વાત બનવાની શક્યતા છે જ.'

બધાં જ વાંદરાંએ બુઢ્ઢા વાંદરાની મશ્કરી કરી. અને કોઈએ તેની વાત ન માની. દુઃખી હૃદયે બુઢ્ઢો વાંદરો ત્યાંથી ભાગી ગયો.