પૃષ્ઠ:Balvartao.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બીજે દિવસે કુંવરે જોયું તો બુઢ્ઢો વાંદરો ન મળે. તેણે રાજાને કહ્યું. બધાંએ બહુ શોધ કરી પણ એ વાંદરો ન મળ્યો તે ન જ મળ્યો.

દિવસો વીતવા લાગ્યા.

એમ કરતાં દશેરાનો દિવસ આવ્યો. રાજ્યમાં મોટો ઉત્સવ ઊજવાતો હતો. આજે રાજાની સવારી નીકળવાની હતી. અને ત્યાર પછી રાજમહેલમાં મોટો ભોજન સમારંભ હતો. રસોઇયાઓ રાતથી જાતજાતની વાનગીઓ બનાવી રહ્યા હતા. એક તરફ ખીર બનાવીને ઠંડી કરવા મૂકેલી હતી. રાજાને ખીર બહુ જ ભાવતી. એમાં જાતજાતના તેજાના નાખવામાં આવ્યા હતા. બધા ઉતાવળે ઉતાવળે રસોઈ બનાવતા જતા હતા. બધા જ પોતાની ધૂનમાં હતા.

પેલું તોફાની ઘેટું ત્યાં આવ્યું. તેણે જોયું તો પોતાના આગમન તરફ કોઈનું લક્ષ ન હતું. એણે રસોડામાં નજર કરી તો ખીર જોઈ એના મોંમાં પાણી આવ્યું. અને ધીરેથી સરકીને એ ખીર પાસે પહોંચી ગયું અને ખીર ચાટવા લાગ્યું.