પૃષ્ઠ:Balvartao.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અચાનક પૂરી તળી રહેલા રસોઇયાની નજર એ ઘેટા પર પડી. ઘેટાએ રાજાની ખીર બગાડી એટલે રસોઇયો ક્રોધથી લાલચોળ બની ગયો. ગુસ્સાથી એણે ચુલામાંથી સળગતું લાકડું ખેંચી કાઢ્યું અને ઘેટા પર છૂટું માર્યું. સળગતા લાકડાનો સ્પર્શ થતાં જ ઘેટાના વાલ સળગી ઊઠ્યા. તે ભાગ્યું. અને સીધું સામે ના ખુલ્લા દરવાજામાંથી ઘોડારમાં ઘૂસી ગયું. અને આળોટીને પોતાના શરીરની આગ ઠારવા માંડ્યું. તેના શરીરની આગ તો ઓલવાઈ ગઈ પરંતુ ઘાસ સળગવા લાગ્યું.

ઘેટું તો ભાગી છૂટ્યું. હવે રસોઇયાને પણ ખ્યાલ નહિ કે ઘેટું સળગીને ઘોડારમાં ઘૂસી ગયું છે. વળી ઘોડારમાં પણ તે સમયે કોઈ ન હતું. બધા ઘોડાઓને વહેલા નવડાવીને પોતે તૈયાર થવા ગયા હતા. એટલે ધીરે ધીરે ઘાસ વધારે સળગવા લાગ્યું અને જોતજોતામાં આખું ઘોડાર સળગી ઊઠ્યું. ઘોડારના માણસો દોડતા આવ્યા અને ઝડપથી બધા ઘોડાઓને છોડવા લાગ્યા છતાં ઘણા ઘોડા દાઝી ગયા.

આ તો રાજાના પ્રિય ઘોડાઓ હતા. એટલે તાબડતોબ રાજવૈદને બોલાવવામાં આવ્યા.