પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪
ગ્રહાષ્ટક વત્તા એક
 


ચીડ ચડી. એમને થયું કે ઘરઆંગણે આટઆટલા મુરતિયાઓ તિલ્લુને વરવા આવી પહોંચ્યા છે ત્યારે એને નાચવાનું શેં સૂઝે છે !

‘આ નાચણવેડાએ જ ઘરનું નખોદ કાઢી નાખ્યું,’ એવો નિસાસો મૂકીને લેડી જકલ પોતાના શ્વાનટોળાં જોડે મૉર્નિંગ વૉક માટે નીકળી પડ્યાં.

અતિથિઓ વડે ઠાંસોઠાંસ થઈ ગયેલા શ્રીભવનમાં જલાલપરની જાન આવતાં તો દુકાળમાં અધિક માસ જેવી આફત થઈ હતી, પણ ભગનશેઠે લાજેશરમે આ વણનોતર્યા જાનૈયાઓને આશરો આપવો પડ્યો અને એ માટે એમણે યજ્ઞમંડપની નજીકમાં જ અંતરિયાળ એક તંબૂ તાણી આપવો પડ્યો.

આ જાનીવાસાની સામે જ તિલ્લુના નૃત્યખંડની બાલ્કની પડતી હતી.

લાંબી રિયાઝ પછી તિલ્લુ બાલ્કનીમાં બહાર આવી ત્યારે પરસેવે રેબઝેબ હતી. આજે એણે ‘ઈન્દ્રવિજય’ નૃત્યનાટકની રિયાઝ કરી હતી. એની યોજના ઇન્દ્રાણી બનવાની હતી. એ નાટકમાં ઇન્દ્ર કરતાંય એના સેનાપતિનું વધારે મહત્ત્વ હતું. કેમકે તખતા ઉપર વધારેમાં વધારે યુદ્ધખેલન એણે જ કરવાનું હતું. તેથી કાર્તિકેયનું પાત્ર કંદર્પકુમારે પોતે જ લઈ લીધું હતું, જેથી જ એને વધારેમાં વધારે નૃત્ય કરવાની તક મળે, પણ કમનસીબે દેવોના સેનાપતિ તરીકે કાર્તિકેયના પાત્રને ન્યાય કરી શકે એવી કંદર્પકુમારની શારીરિક સંપત્તિ નહોતી. નૃત્યકલાના નિયમ મુજબ એ ઉઘાડે ડિલે તખતા ઉપર પ્રવેશે ત્યારે પ્રેક્ષકો એના ભાથામાંનાં તીર ગણવાને બદલે એના પાંડુરગી માયકાંગલા શરીરની પાંસળીઓ જ ગણી રહે એવી સ્થિતિ હતી. અને આ સ્થિતિ, કલાદૃષ્ટિએ તિલોત્તમાને અસહ્ય લાગતી હતી. એણે કંદર્પકુમારની શારીરિક દરિદ્રતા ઢાંકવા માટે એને ગોદડાના અસ્તરવાળું બખ્તર પહેરાવીને યુદ્ધમાં ઊતરવાનું સૂચન કરી જોયેલું, પણ દિગ્દર્શકે એ હસી કાઢેલું. ‘સત્યયુગમાં