પૃષ્ઠ:Hind Swaraj.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તે જુદી વાત છે, પણ દાક્તરો ઉપર પ્રમાણે કરે છે એ ચોખ્ખી ને સીધી વાત છે.

આનું પરિણામ એ આવ્યું છે કે આપણે નમાલા અને નામર્દ બનીએ છીએ. આવી સ્થિતિમાં આપણે લોકસેવા કરવાને લાયક નથી રહેતા અને આપણે શરીરહીન તથા બુદ્ધિહીન થતા જઈએ છીએ. અંગ્રેજી કે યુરોપી દાક્તરી શીખવી તે માત્ર ગુલામીની ગાંઠ મજબૂત કરવાને ખાતર છે.

આપણે દાક્તર કેમ થઈએ છીએ એ પણ વિચારવાનું છે. તેનું ખરું કારણ તો આબરુદાર અને પૈસા કમાવાનો ધંધો કરવાનું છે; પરોપકારની વાત નથી. તે ધંધામાં પરોપકાર નથી એ તો હું બતાવી ગયો. તેથી લોકોને નુકસાન છે. દાક્તરો માત્ર આડંબરથી લોકોની પાસેથી મોટી ફી લે છે અને તેઓની દવા જે એક પાઈની કિંમતની હોય છે તેના તેઓ રૂપિયા

૧૦૫