પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

સ્થૂલિભદ્રને જ્યારે સમાચાર મળે છે કે રાજકારણના અવળાસવળા પેચમાંથી મગધનું રક્ષણ કરવા માટે, ઊકળતા લાવાના ચરુ સમાન મગધના રાજકારણને સંતપ્ત કરવા માટે પિતા શકટાલે પોતાનું બલિદાન આપ્યું. એટલું જ નહિ પણ પોતાના સગા ભાઈ શ્રીયકના હાથે જ એ બલિદાન અપાવરાવ્યું. એ સમાચાર જાણ્યા પછી એને પોતે પિતાની અંતિમ ક્ષણે પણ એમની અંતરની મુરાદ પૂરી કરી ના શક્યો એની વેદનાએ સ્થૂલિભદ્રના હૃદયમાં રહેલા વૈરાગ્યના પાતળા ઝરણાને જગાડી દીધું. ચોપાટની અધૂરી રમત મૂકીને કોશાના ભવનમાંથી નીકળેલો તે. પોતાને મળતા મંત્રીપદને લાત મારી પિતાના આખરી સંદેશાના શબ્દો ‘ભાઈ, સાચો પ્રેમ તો ત્યાગમાંથી જન્મે છે. જેમાં ત્યાગ નથી, એ પ્રેમરસ ફિક્કો છે.’ (પૃ. ૨૪૦) ને જીવનમાં ઉતારવા મથતો આહાર, વિહાર ને શૃંગારની સૃષ્ટિમાંથી જીવન, પ્રેમ ને ત્યાગની સૃષ્ટિમાં સરી જાય છે. ગુરુ સંભૂતિવિજય પાસે દીક્ષા ગ્રહણ કરી સાધુઓમાં શિરમોર બને છે.

ગુરુઆજ્ઞાથી પાટલીપુત્રમાં કોશાની ચિત્રશાળામાં ચાતુર્માસ ગાળવા જ્યારે સ્થૂલિભદ્ર પધારે છે ત્યારે સૌંદર્યગિરિના સ્વરચ્છેદ ઝરણ સમી કોશા સ્થૂલિભદ્રને વિચલિત કરવાના અનેક પ્રયત્નો આદરે છે. પણ છેવટે એના એ બધા જ પ્રયત્નો નિષ્ફળ જાય છે. એટલું જ નહીં પણ હૃદયથી એને સાચો પ્રેમ કરતા સ્થૂલિભદ્ર એને પ્રેમનું સાચું સ્વરૂપ જે મોહમાં નથી, કામમાં નથી, વિષયકીચમાં નથી એ સમજાવે છે, અને કહે છે કે જિંદગીને પલવારમાં આનંદ માટે ખરચવાને બદલે ચિરંતન કાવ્ય બનાવ. ધર્મના અપૂર્વ સૌંદર્યને પિછાણી દિવ્ય આનંદ પ્રાપ્ત કર. કોશાનો આત્મા જાગી જાય છે. શ્તૂલિભદ્ર અને શ્રાવિકાના બાર વ્રત સ્વીકારાવી ચાતુર્માસ નિર્ગમન થતાં ગુરુચરણે પાછા વળે છે. આમ બાહ્યદેહના આકર્ષણથી શરૂ થયેલો સ્થૂલિભદ્ર અને રૂપકોશાનો પ્રેમ પ્રેમનું સાચું અને વિકાસસભર રૂપ - ‘ત્યાગ’ અને ‘શાંતિ’ – મેળવી આત્માના આનંદને પ્રાપ્ત કરે છે. પ્રેમની આ વિકાસયાત્રા જયભિખ્ખુએ નવલકથામાં ખૂબ જ સમૃદ્ધ રીતે પ્રગટાવી છે.

નવલકથાનો બીજો વાર્તાપ્રવાહ જે આમ તો વાર્તાનો ગૌણ પ્રવાહ છે. અને છતાં જે વાર્તાના મુખ્ય પ્રવાહને પુષ્ટ બનાવવામાં મદદરૂપ બને છે તે પાટલીપુત્રના રાજા ધનનંદના રાજ્યવહિવટને વર્ણવે છે. આ વાર્તાપ્રવાહમાં