પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સર્પો, હરિણ, સસલાં, સહુ દોડી આવે,
લાંબો ધ્વનિ ભયભર્યો શ્રવણે પડે છે.


ઉલ્કાપાત થયો કાંઈ હશે આ વનની મહીં,
પ્રતીતિ થાય છે એવી જોઈ આ ગતિ સૌ તણી.


હા! અગ્નિ ત્યાં સળગી ઘાસ પ્રજાળતો રે,
વૃક્ષો તણાં કુંપળ બાળી ઉડાડતો તે;
ભૂખ્યો ધસી જીવ અનેક ગળી જતો તે,
દિશા બધી ઘૂમવતી છવરાવી દે છે!


વ્હાલો છે જીવ પોતાનો વ્હાલાંથી ય વધુ! અરે!
ન્હાસે છે સિંહ પેલો ત્યાં સૂતી સિંહણને છોડીને.


પણ અડગ સમાધિ સારસીની ન છૂટે,
મરણશરણ જાવું હર્ષ તેને દીસે છે;
ભડ ભડ ભડ થાતી અગ્નિની ઝાળ આવી,
બળી મરી પ્રિય સાથે સારસી પ્રેમઘેલી.


દર્દીના દર્દની પીડા વિધિને ય દીસે ખરી,
અરે! તો દર્દ કાં દે છે? ને દે ઔષધ કાં પછી?

૧૬-૪-૧૮૯૫

પ્રિયતમાની એંધાણી

હતું મીઠું જેવું વિરસ પણ તેવું બની રહ્યું,
અરે! તુંને કહેતાં ‘કુસુમ’ દિલ મ્હારું જળી રહ્યું!
ગઈ કહો ક્યાં પેલી સુરભ? રૂપ ને કોમલપણું?
ગયું કહો! ક્યાં એવું અમીભર હતું તેહ મુખડું?

હસન્તી ત્હારી તે ઉછળી ઉછળી પાંખડી બધી,
હવે તો એવી એ સૂકી સૂકી જ સંકુચિત બની!
અને મીઠો એવો મધુબર હતો મોહ સઘળે,
હવે સર્વે વ્હીલું રસરહિત ભાસી રહ્યું જગે!

હવે પેલો વાયુ તુજ સહ લપેટાઈ ઊડતો–
પરાગે ભીંજાઈ સકલ દિન રહેતો મહકતો -
નહીં સ્પર્શે તુંને! નહિ જ નિરખે મુગ્ધ નયને!
નિહાળી દૂરેથી નકી જ વળશે અન્ય જ સ્થળે!

કલાપીનો કેકારવ/૧૦૭