પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હવે સંધ્યાભાનુ કરથી ગ્રહી ત્હારા અધરને -
અમી પીતાં દેતો દ્વિગુણી ત્રિગુણી લાલી મુખને,
જરાયે ના જોશે પ્રણયી નજરે તે તુજ પરે!
નહીં ભાવે ધારી રમત તુજથી આચરી શકે!

હવે પેલો ભોગી મધુપ તુજ ગન્ધે ડૂબી ડૂબી -
ધરન્તો મૂર્ચ્છા જે તુજ ઉરપદે દેહડી ધરી -
તને પાસેથી એ નિરખી નહિ જાણી ય શકશે!
હવે આવ્યો એવો શિથિલ બની ગુંજી ઉડી જશે!

દશાનો કેવો આ ક્રમ જ સઘળો આમ ઊલટ્યો?
અરે! તે દિનોનો પલટી જ ગયો રંગ સઘળો?
ગઈ તે વ્હાલી ને ફકીરી ધરીને આજ ભટકું!
વિલાઈ એંધાણી તુજ સમી ય! પ્યારા! શું કરવું?

ગઈ તે વ્હાલી ને વરસ દશ ગાળ્યાં તુજ પરે!
વિલાયું તું હાવાં! રહ્યું શું અવલમ્બું શું ઉપરે?
વિલાયું તું ત્હોયે નહિ જ તજું તુંને મન થકી,
વિલાયું એવું એ હજુ મુજ પ્રિયાનું મટ્યું નથી.

તજે વાયુ, ભાનુ, મધુપ, સહુ તુંને તજી શકે,
ગયાં પેલાં વ્હાલાં સ્વરૂપ સદ્‌ગન્ધી સકલ તે;
મને તો તું હૂતું પ્રિયથી મળ્યું તે તેવું જ હજુ!
સરે અશ્રુ ત્યારે હૃદય શું ધરું ને ધરી રહું!

હવે હું પૂજું છું, મૃતફૂલ! તને એ પ્રણયથી,
હવે તું મ્હારે છું, વધુ પ્રિય થયું આ મરણથી!
જશે છેલ્લા શ્વાસો, મુજ પ્રિયતમામાં મળીશ હું,
ત્યહાં સુધી ચાંપ્યું હૃદય શું તને ધારીશ જ હું.

૨૫-૬-૧૮૯૫

દગો

કફન વિણ લાશ વેરાને, દીવાનાની પડી, દિલબર!
ખફા તેની ઉપર થાતાં, અરે! તુજ હાથ શું આવ્યું?

દુવાગીર આ તમારાથી લઈ જલ્લાદની તલવાર–
ખૂની તુજ હાથ કરવાથી, અરેરે હાથ શું આવ્યું?

કલાપીનો કેકારવ/૧૦૮