પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કીનારે ચાલ્યા જાય છે અને હોડીને નદીની વચમાં રાખવાને એક માણસ તેના અગાડીના ભાગમાં લાંબો વાંસ લઈ ઉભેલો હોય છે, એ વાંસને તળિયામાં ખોસતો આવે છે અને હોડીને મરજી મુજબ વાળે છે. આ ખલાસીઓને કાશ્મીરમાં માંજી કહે છે અને હોડીને કિસ્તી કહે છે. અમારે આવી કિસ્તીમાં આશરે એંશી માઈલ મુસાફરી કરવાની હતી. એક્માં કુમારશ્રી ગીગાવાળા, હું અને અમારા પાસવાનો હતા, બીજીમાં પ્રાણજીવનભઈ અને એમનાં માણસો, ત્રીજીમાં રસોઈયા અને રસોડાનો સામાન અને ચોથામાં બાકીનો બધો સામાન અને બીજા માણસો હતા. અકેક કિસ્તીનું દર માસે પંદર રૂપીયા ભાડું ઠરાવેલું હતું.

જે જગ્યાએ અમો કિસ્તીમાં બેઠા હતાં ત્યાં અમારી બરદાસ માટે રાજ્ય તરફથી એક બ્રાહ્મણ મોકલવામાં આવ્યો હતો. આવા બ્રાહ્મણો કાશ્મીરમાં ઘણાં છે, અને તેઓ પંડિત કહેવાય છે. જે પંડિત અમારી બરદાસ માટે આવેલ હતો તેનું નામ વાસકાક હતું, પણ પાછળથી અમે એનું નામ કાગવાસ પાડેલું હતું. પંડિત અમારી સાથે ચાલ્યો. કિસ્તીવાળાએ કહ્યું કે: જો માંજી લોકો વધારે હશે તો અમે તમને શ્રીનગર એક દિવસ વહેલા પહોંચાડીશું. માંજી લાવવાનું કામ પંડિતને સોંપ્યું. પંડિત ત્રીસચાલીશ માણસોને પકડી લાવ્યો, પણ સવારે તો અમે એકે માંજી જોયો નહિ. બીજે દિવસે પણ એટલાંજ માણસોને પકડી લાવ્યો છતાં સવારે ચાર માણસો રહ્યાં. બીજા ક્યાં ગયાં ? અગાડીને દિવસે લાવેલ માણસમાંથી કામ કરવા એક્કે કેમ ન આવ્યું ? તે બાબત તપાસ કરતાં માલમ પડ્યું કે માંજીઓને આપવા પંડિતોને જે પૈસા આપીએ છીએ તે, તેઓ તેમને આપતાં નથી, પણ બધા પોતે જ રાખે છે એટલું જ નહીં પણ જે લોકોને તે પકડી લાવે છે તેઓમાંના દરેક પાસેથી તે પા પા અડધો અડધો રૂપિયો લઈ છોડી મૂકે છે. આ લોકો આવી રીતે પંડિતોના ગજવાં શામાટે ભરે છે? રાજ્યમાં કર્તા હર્તા પંડિતો જ છે. તેની સ્હામેની ફરિયાદ કોઈ સાંભળે નહિ.