પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

માંજી લોકો ગરીબ અને અણસમજુ છે, તેઓની સ્થિતિ ગુલામ કરતાં પણ વધારે ખરાબ છે. પંડિતો તેઓને વેઠે કામ કરાવે છે, કામ ન કરે તો માર મારે છે. અને આ પ્રમાણે તેઓ બીચારાને માથે છપ્પ્નના પાટા પડે છે. એક માંજી અમારી હોડી ખેંચતો હતો તેણે અમને આ બધી વાત કરી. એ સિવાય પણ આ વાત સાચી માનવાને અમને ઘણાં કારણો મળ્યાં હતાં. એક વખત તો અમે માંજી લોકોને ભાગી જતાં, આ પંડિતને તેની પાછળ પડતાં, અને માર મારતાં નજરે જોયો. ત્યાર પછી અમે પંડિતને કહી દીધું કે હવેથી કોઈ માંજીને લાવવો નહિં; અને અમારૂં કામ કરવા આણેલા બીચારા ગરીબ માંજીઓને ખુશી કરી ઘેર જવા દીધા.

ઈટાલીમાં આવેલા વેનીસ શહેરની માફક શ્રીનગરના ધોરી રસ્તા, એ જેલમ નદી અને તેના ફાંટા છે. આથી ગાડી અને ઘોડાને બદલે રંગેલી કિસ્તીનો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાને ઉપયોગ કરવામાં આવે છે. જો કે શ્રીનગરને કુદરતી બક્ષીસ ઘણી સારી મળેલી છે; તોપણ ત્યાંના રહેવાસી ગંદા, ગરીબ અને જંગલી જેવા હોવાને લીધે તેનો ઉપયોગ કેમ કરવો તે સમજતા નથી. શેહેર ઘણું જ ગંદું છે. સ્વચ્છતા એટલે શું, એ થોડાજ સમજે છે. ગરીબનાં ઝુંપડા, તવંગરના ઘર, તેમજ મહારાજાના મહેલપર નળીઆંને બદલે ઘાસથી છવાએલાં માટીનાં છાપરા હોય છે; તફાવત માત્ર એટલોજ છે કે શ્રીમંત લોકો ઘાસ કપાવી લીલા ગાલીચા જેવા છાપરાનો દેખાવ રાખે છે અને ગરીબ લોકો તેમ કરી શકતા નથી. મહારાજાની કિસ્તી પણ વગર રંગેલી અને ગંદી હોય છે. તો પછી ગરીબ માંજીની શી વાત કરવી ? ઘરને કોઈ પણ મરામત કરાવતું નથી, તેથી શહેર ખંડેર જેવું દેખાય છે.

શ્રીનગરમાં ૧,૦૦,૦૦૦ માણાસની વસ્તી છે, તેમાં બે ભાગ મુસલમાનના છે, અને એક પંડિતનો છે. સ્ત્રી પુરુષો ઘણાં ખૂબસુરત, દેખાવડાં અને કદાવર છે પણ શરીર અને કપડાં હમેંશા ગંદા જ હોય છે. મુસલમાન વર્ગ વેપાર અને બીજા કામ કરી