પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દરેક મુસાફરે આ બે ચીજો હમેશાં સાથે રાખવી.

રાવળપીંડીથી બારામુલ્લાં સુધી ટાંગા ભાડે મળી શકે છે. આ ઉત્તમ વાહન છે, તે અમને મળી શક્યું નહિ, કારણ કે વાયસરૉયને માટે બધા ટાંગા રાખેલાં હતા. અમે ફિટન ગાડીમાં બારમુલ્લાં સુધી ગયા. સામાન અને માણસોને માટે એક્કા ભાડે કર્યા હતા, આ એક્કાનાં ટટ્ટુ ઘણાંજ ખરાબ હોય છે ; એક્કા ન્હાના અને ખળભળી ગયેલ હોય છે, અને હાંકનાર બેદરકાર હોય છે. જો સામાન પંદર અથવા સોળ દિવસ અગાડીથી ચલાવી શકાય તેમ હોય તો કરાંચીઓ (ગાડીઓ) પણ મળે છે. આ કરાંચીના બળદોને રાશ હોતી નથી, પણ હાંકનાર લાકડીથી બળદને ડાબી જમણી તરફ વાળે છે. પર્વત પરના આડા અવળા અને સાંકડા રસ્તામાં આ ભયંકર છે.

કાશ્મીરમાં જવાનો ખરો વખત વસંત જ છે. એ ઋતુમાં હિમાલયમાંથી ઉતરતી, પછડાતી, ઉછળતી નદીઓ ઘણા જ જોસથી વહે છે. પર્વતો ઝરણથી છલકાતા દેખાય છે. ડુંગરો અને ખીણોપર વનસ્પતિના ગાલિચા પથરાઈ ગયેલા હોય છે. વળી ટાઢ પણ ઓછી હોય છે. જે ઋતુમાં અમે કાશ્મીરમાં ગયા તેમાં ફળ ફુલાદિ ઉલી ગયાં હતાં, અને ઠંડી પણ સખત હતી. વાઈસરૉય તેજ વખતે કાશ્મીર હતા તેથી અમારા ધારવા પ્રમાણે અમે જઈ શક્યા નહિ. રાવળપીંડીમાં અમારે લગભગ બાર દિવસ પડ્યું રહેવું પડ્યું. અમારે આખો હિન્દુસ્તાન છ માસમાં જોવાનો હતો અને કાશ્મીરમાં ઘણી ટાઢ હોવાને લીધે અમને વધારે રોકાવું અને વધારે જોવું પરવડ્યું નહિ. આમ થવાથી અમે નાગાપર્વત, માનસબલ, માર્તંડ, આવંતિપુરનાં મંદિરો, અનંગનાથ, ઈસ્લામાબાદ અને પૃથ્વીના સ્વર્ગ જેવા કાશ્મીર દેશના એવાજ બીજા અતિ રમણીય પ્રદેશો જોઈ શક્યા નહિ.

કાશ્મીરની ખૂબસુરતી અને મુસીબતો વિષે અમે જેવું વાંચ્યું હતું અને તેથી અમારા મનમાં જેવી કલ્પના હતી તેવું અમે અનુભવ્યું નહિ, તોપણ એ દેશ સ્વર્ગનું પ્રતિબિંબ છે અને ત્યાં જવું