પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઘણાજ કદાવર હતા અને તેઓનો અવાજ ઘેરો હતો. થોડો વખત આ કાશ્મીરી ગાયન સાંભળી અમે સૂઇ રહ્યા.

તા. ૨-૧૧-૯૧:- આજ બેસતા વર્ષનો તહેવાર હતો તેથી અમે સૌ વહેલા ઊઠ્યા. ગંગરી અથવા ન્હાની સગડી છાતી આગળ રાખી ઊતાવળથી નિત્ય કર્મ કરવા લાગી ગયા.

અગિયાર વાગે કાશ્મીરના રેસીડંટ કર્નલ પ્લિડોને મળવા ગયા. તે ઘણાજ વૃધ્ધ ને ભલા માણસ છે. અમને શ્રીનગરની કેટલીક સુંદર જગ્યાઓ બતાવવામાં રેસિડન્સી વકીલ લાલા જયકિસનદાસ મદદ આપશે એમ રેસીડન્ટે કહ્યું. વાઇસરૉય પાંચમી તારીખે શ્રીનગર આવવાના હતા, તેથી એમની મુલાકાત લેવા અમારો વિચાર થયો. રેસીડંટને અમારી આ ઇચ્છા જણાવી તેથી તેણે કહ્યું કે વાઇસરૉયના ફોરિન સેક્રેટરી સર ડ્યુરરૅંડ તે ગોઠવણ કરી આપશે. રેસિડંટની રજા લઇ તુરત જ લાલા જયકિસનદાસ મારફત સર ડ્યુરૅંડને મળવાનો વખત પૂછાવ્યો. અમે અમારી કિસ્તી સુધી નહોતા પહોંચ્યા તેટલા વખતમાં લાલા જયકિસનદાસે આવી કહ્યું કેઃ સર ડ્યુરૅન્ડ સાહેબ હમણાંજ મુલાકાત લેશે. તેથી અમે જ્યાં તેઓ ઉતર્યા હતા ત્યાં ગયા. થોડાજ વખતમાં તેઓ આવ્યા. વાઈસરૉયની મુલાકાત વિષે પુછતાં એમણે કહ્યું કે : હું એઓ સાહેબને પૂછી જોઈશ. પછી કેટલીક વાતચીત કરી અમે રજા લીધી, ઉતારે આવ્યા અને જમ્યા.

અમે દૂધ લેવા એક માણસ મોકલતા હતા. તે માણસ દૂધ દોવરાવતી વખતે ગાય પાસે જ રહેતો હતો છતાં દૂધ પાતળું આવતું. આમ થવાનું કારણ થોડો વખત અમે સમજી શક્યા નહિ. પણ પછી માલુમ પડ્યું કે, ગૌલી દોતી વખત એક ચામડાની નળી જભ્ભા નીચે રાખે છે. તેમાં પાણી ભરી રાખે છે અને દોતી વખત આ નળીના મ્હોંમાંથી થોડું થોડું પાણી ઠામમાં જવા દે છે. અહો !