પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૬. આ જગાએ કડીના રહીશ બાબુ કાલિદાસે અમારે માટે ચાર ટટ્ટુ અને એક ખચ્ચર તૈયાર રાખ્યાં હતાં. બાબુ કાલિદાસની સાથે અમારી મુલાકાત બીજી તારીખે થ‌ઇ હતી. તળાવની વચમાં બે તરતા ટાપુ છે એમ અમે સાંભળ્યું હતું, તેથી તે જોવાની જિજ્ઞાસાથી, ઘોડાં અને ખચ્ચરને નશાદબાગ મોકલી આપી, કિસ્તીમાં બેસી, તે આશ્ચર્યકારક અસાધારણ બેટ તરફ ચાલ્યા. ટાપુની પાસે જ‌ઇ તપાસી જોતાં માલૂમ પડ્યું કે આ તરતા ટાપુ નથી પણ માત્ર ટાપુજ છે. તેને છોડી નશાદબાગ તરફ અમે ચાલ્યા. થોડા વખતમાં ત્યાં પહોંચી ગયા. અહિં પણ એક નાનો બંગલો છે, અને ફુવારાની ગોઠવણ પણ સારી છે. બાગનો દેખાવ સાધારણ છે, નશાદબાગ જલદી છોડી, ટટ્ટુપર અસ્વાર થ‌ઇ શાલેમ્હાર બાગ તરફ ચાલવા લાગ્યા, કિસ્તીઓ પણ ત્યાં મોકલી આપી.

૭. અમે જે ટટ્ટુપર બેઠા હતા તે કાશ્મીરી હતાં. આ ટટ્ટુ કદમાં નાનાં પણ મજબુત હોય છે, ડુંગર પર ઝડપથી અને સંભાળ રાખી ચડી જાય છે. ખચ્ચર પર રા. રા. રૂપશંકરભાઇ જે કુમાર શ્રી ગીગાભાઈ સાથે આવ્યા છે તે બેઠા હતા. ખચ્ચરને આ ઘોડાં સાથે દોડતાં ઘણી મુશ્કેલી પડતી હતી અને વારંવાર અટક્તું હતું તોપણ સોટીથી જરા શીખામણ આપવામાં આવતી ત્યારે દોડવા લાગતું હતું. આ પણ એક નવું વિમાન !

૮. આહા, આ ઝાડનું પ્રતિબિંબ તળાવમાં કેવું મનોહર દિસે છે ! આ વાદળાંનો રંગ કેવો વિચિત્ર દેખાય છે ! જુઓ ! જુઓ ! ત્યાં તે ટેકરી પરના બરફનો રંગ વાદળું ખશી જવાથી, એકદમ કેવો બદલાઈ ગયો ! જમણા હાથ તરફના ડુંગરપર, જુઓ તો ખરા ! કેવા વિચિત્ર આકારનું વાદળું છવરાઈ રહ્યું છે ! અને ત્યાં પણ કેવાં નાનાં નાનાં વાદળાં દોડા દોડ કરે છે ! આવી આવી આનંદની વાતો કરતા કરતા કલાઇના પત્રોના બનાવેલા એક દરવાજાની પાસે અમે આવી પહોંચ્યા. આ દરવાજો શાલેમ્હાર બાગનો હતો. આ બાગની