પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આસપાસ એક દીવાલ છે, તેની અંદર અમે ગયા. અગાડી જોયેલા બાગ જેવોજ આ બાગનો દેખાવ છે. અમે સાંભળ્યું હતું કે અહિં શાહજહાંનું એક ઘણું સારૂં તખ્ત છે. માળીને તે બતાવવા કહ્યું. તે અમને એક સુંદર બંગલામાં લઈ ગયો પણ તખ્ત અમે ક્યાંઇ જોયું નહિ. માળીને પુછતાં માલૂમ પડ્યું કે આ બંગલો તે જ તખ્ત કહેવાય છે. આ બાગમાં આમતેમ ફરી અમે બહાર નીકળ્યા. અને ટટ્ટુ પર બેશી કિસ્તી તરફ ચાલ્યા. આ બાગના દરવાજા સુધી એક નહેર ખોદેલી છે પણ તેમાં માત્ર વસંત ઋતુમાંજ પાણી રહે છે. વસંતમાં પાણી દરેક જગાએ વધારે હોય છે કેમ કે તે વખતે પર્વત પરના બરફ પીગળે છે. આ સુકાઈ ગયેલી નહેરની બન્ને બાજુએ ચીનારના ઝાડની સીધી હાર છે. આ વૃક્ષોની સુંદર ઘટા નીચે અમે ઘોડાંને દોડાવતા ચોતરફ આવેલ ખુબસુરત દેખાવો પર નજર ફેરવતા ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા એટલે કિસ્તી ચાલી શકે તેટલું પાણી આવ્યું. અહિં અમારી કિસ્તીઓ તૈયાર હતી તેથી ઘોડા પરથી ઊતરી, તેઓને બાબુ કાલિદાસને ઘેર લઈ જવા ખાસદારોને કહી કિસ્તીમાં બેઠા. ને નસીમબાગ તરફ ચાલ્યા. પાણી પર કમલ અને લુઇ એટલાં ઘીટ ઉગેલાં છે કે માણસો તેના પર ધુળ પાથરી ચિભડાં અને બીજી વનસ્પતિ વાવે છે. આ પ્રદેશ જમીન જેવો દેખાય છે પણ જો કોઇ માણસ અજાણતાં તે ઉપર ઉતરે તો બુડી જાય અને વેલાઓમાં એવો ઘુંચવાઇ જાય કે પાછો બહાર નીકળી કે તરી શકે નહિ. આ તરતી, ત્રિશ્ંકુના સ્વર્ગ જેવી જમીનની અંદર ન્હાંની કિસ્તી ચાલી શકે તેવી ગલીઓ રાખેલી છે. કમલનાં પાન, લીલી લુઇ, તે પર ઉગેલી વનસ્પતિ, ધુળના ક્યારા અને પાણીની સડકો અતિશય સુશોભિત અને રમ્ય ભાસે છે.