પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૯. નસીમબાગ નજદીક આવી ગયો પણ સાંજ પડી જવા આવી અને અમારો ઉતારો દૂર હતો તેથી અમે તે બાગ દૂરથીજ જોઈ લીધો ; અંદર ગયા નહિ. આ બાગ તળાવના એક કીનારા પર આવેલો છે તેથી તળાવમાંથી ઘણો સુંદર દેખાય છે પણ બગીચાની અંદર ગયા પછી તે ખુબી નજરે પડતી નથી.

૧૦. સૂર્ય પશ્ચિમમાં અધોગતિ કરવા લાગ્યો, સંધ્યારાગ ખીલી નીકળ્યો. પૃથ્વી, આકાશ, પાણી અને વિશેષ કરીને પશ્ચિમ દિશાનું મુખ લાલચોળ થ‌ઇ ગયાં. સૂર્ય દેવતાનાં તપાવેલા સુવર્ણના રેષા જેવાં કીરણો, લાંબા થ‌ઇ પૃથ્વીના પશ્ચિમ છેડાને સ્પર્શ કરવા લાગ્યાં, જળમાં પડતાં વૃક્ષાદિનાં પ્રતિબિંબ ભુંસાઈ જવા લાગ્યાં, વૃક્ષ ઘટામાં નાનાં ચકલાં ચીંચીં કરવા લાગી ગયાં. કાગડાનાં ટોળાં કઠોર છતાં તે વખતે આનંદકારી લાગતાં; કૌંચ શબ્દો કરતાં જુદી જુદી દિશામાં ઉડી જતાં નજરે પડતાં હતાં. થોડીવારમાં તો આ સુંદર દેખાવ અને આ મધુર અવાજ દેખાતાં અને સંભળાતાં બંધ પડ્યા. સૂર્ય બિંબ અદ્રશ્ય થ‌ઇ ગયું. નાના છોડ, કુમળી વેલી, અને મહાન વૃક્ષો એક બીજા સાથે મળી જતા હોય, એક રૂપ થ‌ઇ જતા હોય, અને દિશાઓ વિસ્તાર પામતી હોય તેવું ભાસવા લાગ્યું ! ઋષિઓ ચારે દિશામાં હોમ કરતા હોય અને વેદિઓમાંથી ધુમાડાના ગોટા ઊંચા ચડતા હોય, બીજા જન્મેજયે સર્પ કુલનો નાશ કરવા યજ્ઞ આરંભ્યો હોય અને તેથી જાણે ચોતરફ આકાશમાંથી કાળા સર્પનો વરસાદ પડતો હોય, કાળા વેલા જાણે એકદમ પૃથ્વીમાંથી નીસરી ઘુમ્મટ જેવા આકાશ પર ચારે કોર ચડી જતા હોય, પૃથ્વીને ઘેરી લેવા કલિનું કાળું લશ્કર જાણે આવતું હોય અથવા ભૂમિના પર્વત ભાગો જાણે મહાપ્રલયના જળમાં ડુબી જતા હોય, તેમ અંધારૂં વ્યાપવા લાગ્યું ! નાના મોટા તારા સતેજ થયા અને અંધારાને મદદ આપતા ધુમ્મસમાં ચળકવા લાગ્યા; આકાશ પાસે આવવા લાગ્યું. આગિયા અહિં તહિં ઝબકવા લાગ્યા. ઠંડી પડવા