પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કોઇ વખતે કાને પડવા લાગી. માંજી લોકોનાં બગાસાં, ટુંકાં ગાયનો અને અવાજ સંભળાવા લાગ્યા. દીપજ્યોતિ જરા નિસ્તેજ થવા લાગી. પડખું ફેરવતી વખતે ટાઢથી બિછાનું જરા ભીનું અને ઠંડું લાગવા માંડ્યું. બહાર ઉજ્જવલ ભાસ નજરે પડવા લાગ્યો. પાણીના ખળભળાટથી કિસ્તીની આવજા શરૂ થઇ ગઇ છે, એમ લાગ્યું. કાગડા, ચકલાં, કાબર અને બીજાં પક્ષીઓ બોલવા લાગ્યાં. ચોકીએ બેઠેલો સિપાઈ એક પછી એક રસોયાને ઉઠાડવા લાગ્યો. તેઓ ઉઠ્યા કે તુરત જ આળસ મરડી કોઈ " હરિ, હરિ, હરિ ", કોઇ " હે ! રામ તું " કોઇ " હે ! ભગવાન " એમ બોલતા પથારીઓ સંકેલી કામે લાગ્યા; પરભાતીઆં ગાવા લાગ્યા અને ચુલા પાસે તાપવા બેસી ગયા. ધીમે ધીમે, અજવાળું ઓરડામાં આવ્યું એટલે અમે પણ ઉઠ્યા, બે ત્રણ માંજીઓને બોલાવી " ડાક ઘરકું જાકે સબ કાગઝ જલદી લાઓ ઔર તાર હોવેતો વ્હોબી લાના ", બીજાને, " બહાર જાકે જલદી ચિરાક તૈયાર કરો ", ત્રીજાને " શિકારી તૈયાર રખો દુપેરકું બહાર ફિરને જાનાંહે ", આ પ્રમાણે જુદાં જુદાં કામ બતાવી દીધાં. કમાડ ઉઘાડ્યાં. તેઓ ગયા. અમે બહાર ઓસરીમાં ખુરશીઓ નખાવી, ગરમ કપડાં પહેરી સગડી આસપાસ દાતણ કરવા બેસી ગયા. પૂર્વ દિશાની લાલાશ, પર્વતો પરનો ગુલાબી દીસતો બરફ, નાના પ્રકારના અવાજ કરતાં આમતેમ ઉડતાં પક્ષીઓ, ઝાકળથી ટપકતાં વૃક્ષો, જરા જરા ઉપડેલાં જળકણથી છવાયેલ પુષ્પ, ડાળીઓ પર પથરાઇ ગયેલી પાણીનાં મોતીયાથી ચળકતી કરોળિયાની જાળ, લીલું ઘાસ અને તે પર પડેલાં પાણીનાં ટીપાં, ધીમે ધીમે વિખરાતો ધુમ્મસ, ડુંગર પર ફરતાં હસ્તિદલ જેવાં દેખાતાં વાદળાં, નિર્મળ થતું આકાશ, શુક્ર અને બીજા વિરલ વિરલ રહેલા ઝાંખા તારા, પાણી પર ઉડતાં કલકલિયા, ખોરડામાંથી નીકળતા ધુમાડાના થોડાં રહેલા ધુમ્મ્સ સાથે મળી જતા ગોટા, અને પ્રભાત કાળના એવા અનેક સુખકર રમણીય કુદરતી દેખાવો જોઇ આનંદમાં દાતણ