પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પાણી કરી લીધાં. એટલી વારમાં બે ઉંચા ડુંગરો વચ્ચે ખીણમાં ચળકાટ મારતાં, ચોતરફ ફેલાતાં, માણસોના અવાજ સાથે વધતાં જતાં સૂર્યના સોનેરી કીરણો નજરે પડ્યાં, અને આમ્રરસથી છકેલ કોકિલાની કીકી જેવાં લાલ વસ્ત્ર ધારણ કરી ભગવાન સૂર્ય દેવતાએ દર્શન દીધાં. સુવર્ણની રેતી જેવો, શરદીમાં વહાલો લાગતો, કમલ વનને વિકસિત કરતો, નદીના પાણીને રંગી નાખતો, બરફના લાલ રંગને ભુસી દેતો તડકો, પૃથ્વી, પહાડ, ઝાડ, અને સર્વ વસ્તુ પર પથરાઈ ગયો. સૂર્યનો રથ ઊંચો ચડ્યો. પર્વતો નીચે આવી ગયા, જલની તરંગ પરંપરા ચળકવા લાગી અને ટાઢ જરા ઓછી થઈ તેથી અમે ન્હાવા લાગ્યા. કોઈએ કહ્યું કે " કાગળ લઈ માંજી આવ્યો " તેથી જલદી કપડાં પહેરી રસોયાને " થાળીને જરા વાર છે " એમ કહી લખવાની ઓરડીમાં દોડી જઈ જલદી જલદી પ્રિય સ્નેહીઓના પ્રિય કુશલ પત્રો વાંચ્યા, અને પછી જમી લીધું. મિત્રોને કાગળના જવાબ જલદી જલદી લખી નાખી, કિસ્તીમાં બેસી માંજી લોકોને કહી દીધું કે : તખ્તે સુલેમાન તરફ શીકારી ચલાવો. તેઓ શીકારી ચલાવ્યા પહેલાં ’ઓ પીર, દસ્તગીર, શહેનશાહ, બાદશાહ’ એવા એવા શબ્દો હલેસાંને એક સરખાં નિયમિત કરવા બોલી કિસ્તી સપાટાબંધ ચલાવવા લાગ્યા. રેસિડન્સિનું મકાન જે અમારા ઉતારાથી બહુ દૂર નહોતું ત્યાં આવી પહોંચ્યા. કિસ્તી ઉભી રાખી એક માંજીએ કહ્યું કે, " સાબ, ઇધરસે ચલનાં પડેગા ", એક માંજીને રસ્તો બતાવવા સાથે લઈ તેની પાછળ પાછળ વૃક્ષ ઘટામાં ખાડા ખડીયા કૂદતાં કૂદતાં, એક નાની કેડીપર એક પછી એક આડા અવળા ચાલવા લાગ્યા. થોડા વખતમાં ટેકરીની નજદીક આવી ગયા. શ્રીનગર દરિયાની સપાટીથી ૫૦૦૦ ફીટ ઉંચું છે અને શંકરાચાર્યનું મંદિર ૬૦૦૦ ફીટ ઉંચું છે, તેથી અમારે ૧૦૦૦ ફીટ ઉંચું ચડવાનું હતું. ભાંગી ગયેલાં પગથીયાં પર સંભાળી સંભાળી પણ ઝડપમાં પગ મૂકતા ઉંચા ચડવા લાગ્યા. વાઇસરોયના માન