પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ખાતર આ ટેકરીપર રાતે રોશની થવાની હતી તેથી મજુરો કપાસિયાના કોડીઆંની હારો કરતા હતા અને નાની નાની લાકડીઓ આમ તેમ ખોડતા હતા. આ એક જાતના કાશ્મીરી ઝાડની સોટીઓ દિવાની માફક બળે છે અને તેથી તેને પણ રોશની કરતી વખતે વાપરવામાં આવે છે. ઘડીક ઉભા રહી આ રોશનીની તૈયારી અને નીચેની જમીન પર જરા નજર કરી પાછા ધીમે ધીમે ચાલવાનું શરૂ કર્યું. પગથિયાં છોડી દઇ એક નાની કેડી પર ચાલવા લાગ્યા. જમણી બાજુએ પથરા, ઝાડ, ડુંગર અને કામ કરતાં દાડિયાં હતાં, અને ડાબી બાજુએ વધારે વધારે ઉંડી થતી જતી ખાઇ હતી. લાંબી કાશ્મીરી લાકડીઓ હાથમાં રાખી લીધી હતી અને ખાઇ તરફ વારંવાર નજર કરતા, થાકી જવાથી ઘડીએ ઘડીએ પથરા પર બેસી વિસામો લેતા લેતા શ્રી શંકરાચાર્યના શિવાલય પર પહોંચી ગયા, અને "શંભો હર" કરી નીચે બેઠા. શ્રમથી પસીનો વળી ગયો હતો, અને મંદ શીતળ પવનની લહેરી આવતી હતી તેથી જરા વાર વિશ્રાંતિ લઈ મહાદેવના દર્શન કરવા ગયા. મંદિરમાં એક મોટું શિવલિંગ અને બે પર્શિયન લેખ છે. અહિં એક બાવો હતો તેણે કહ્યું કે, "આ જગ્યાએ આર્ય ઉધ્ધારક શ્રી શંકરાચાર્ય અને મંડનમિશ્રનાં પત્નીનો સંવાદ થયો હતો." વળી તેણે કહ્યું કે, "અહીંથી થોડે દૂર ઉગ્ર અંબરનાથ મહાદેવ છે. તેનો એવો મહિમા છે કે કોઈ ભાગ્યશાળી અને પુણ્યવાન જ તેનાં દર્શન કરી શકે છે. ત્યાં હજારો માણસો જાય છે પણ કેટલાક શિવાલયમાં ગયા પછી આંધળાભીંત થઈ જાય છે, અને શંકરનાં દર્શન કરી શકતા નથી. હાલ તો ત્યાં બરફ જામી ગએલો છે. આ અંબરનાથનું મંદિર અશોકના દીકરાએ ચણાવેલું છે."

૨. આ ઊંચા સ્થાનથી આખું શ્રીનગર અને ઘણે દૂર સુધીના સુંદર પ્રદેશો નજરે પડે છે. જો કે શહેરનાં દુર્દશામાં આવી પડેલાં જેવાં ઘર જોવાથી થોડોજ આનંદ મળે છે. પણ ઇશ્વરી કુદરત, ઈંદ્રજાળની માફક આંખને ખેંચી લે છે અને જાગતાં છતાં સ્વપ્નાવસ્થાનું ભાન કરાવે છે. એક બાજુએ નાનાં નાનાં દેખાતાં સફેદાનાં વૃક્ષોની આડી અવળી હારો, ચિનારના ઝાડની ઠેકાણે ઠેકાણે ઘટા, અહીં તહીં પથરાયેલાં લીલાં અને ભુરાં, ચોરસ, ત્રિકોણી, ગોળ અને એવા અનેક આકારનાં મેદનો, અને ભાજી પાલાથી ભરપૂર ખેતરો, તેમાં ફરતાં વેંતિયાં માણસ જેવા દીસતા ખેડુતો, ડાલ સરોવર,