પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તેમાં તરતી નાની મોટી વનસ્પતિ, કીનારપરના બગીચા, વાદળાંથી વધારે કાળો દેખાતો પરિ મહેલ, શહેરમાંની આડી અવળી આસમાની પાણીની સડકો, ઘર બહાર નીકળતા ધુમાડાના ચાલ્યા જતા, ઊંચે ચડતા, વિખરાઇ જતાં થાંભલા, ઘાસથી છવાએલાં છાપરાં, અને બીજી બાજુએ ખીણમાં ધીમે ધીમે સર્પાકારે ચાલી આવતી જેલમ નદી, મુસાફરી બંગલા, વાદળાં અને બરફથી ઢંકાયેલી, દૃષ્ટિ મર્યાદા સુધી લાંબી લાંબી ચાલી જતી, ઊંચી નીચી ધાર અને અણીવાળી લીલી અને કાળી ટેકરીઓ વાળી પર્વત પરંપરા, અને તેની ઝાડીમાં જુદા જુદા અવાજ કરી ઉડતાં ચંડુલાદી પક્ષિઓ, દૃષ્ટિએ પડે છે. આ તે પૃથ્વિ ! સ્વર્ગ ! કે કૈલાસ છે ! તેનો સંકલ્પ વિકલ્પ કરાવે છે. ચારે દિશામાં આવાજ અદ્‍ભૂત, દૃષ્ટિને આલ્હાદન આપતા, સૌંદર્યના વિશાળ ભંડાર આવી રહેલા છે. તેથી ક્યાંથી આંખ ફેરવી ક્યાં જોવું તે સુજતું નથી. આ ઋતુમાં પણ આ દેખાવ આટલું આશ્ચર્ય ઉત્પન્ન કરે છે તો ખેતરોને કેસર અને ઘીચ વનસ્પતિથી, દરેક વૃક્ષને ચળકતાં નવપલ્લવ અને ફળોથી, દરેક ઝરણને નિર્મળ, શીત, ખળખળતા જળથી, દરેક મેદાનને લીલા ઘાસથી અને દરેક પર્વતને પુષ્પ, પાન, અને ફળના નવરંગી ગાલીચાથી ભરી દેતી વસંતમાં આ પ્રદેશો હૃદય પર શું અસર નહિ કરતા હોય ! સર્વદા ધન્ય છે, આવી અનુપમ લીલાને સૃજનાર લીલાને, આવા અકળ અમાનુષી, અતીગહન, ઇશ્વરી ચમત્કારના રમણીય ભંડારનું પ્રેમ, આનંદ અને આશ્ચર્ય સહિત અવલોકન કરી, મહાદેવનાં ફરીથી દર્શન કરી, ચિત્તવૃત્તિને ત્યાંજ છોડી પાછા વળ્યા. આ વખતે નીચે ઉતરવું હતું તેથી મહેનત ઓછી હતી પણ સંભાળ ઘણીજ રાખવી પડતી હતી, કેમકે પગ લપસ્યો કે, ’રામરામ’, ખાઇ પડખે ઘણીજ ઊંડી; તેમાં પડ્યા તો પાવળું પાણી પણ માગવાનો વખત મળે નહિ. ઢાળ ઘણો છે તેની સંભાળ રાખ્યા છતાં પગ લપસી પડતો હતો અને પાછા ઉભા થતાં પણ જરા મુશ્કેલી પડતી હતી. કેટલાક ખાઈ સામે નજર કરવાને પણ