પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બરફ વિનાના, ગોળ અને અણીવાળા શિખરોવાળા, પાણીનાં ઝરણ અને પુષ્પલતાવાળા, છરેરા અને ઊંડી ગુફાવાળા, દૃષ્ટિમર્યાદાથી પણ વિશેષ લંબાઈ અને પહોળાઇવાળા પર્વતો, તેઓની રમણીયતા, તેઓની કલ્પી ન શકાય તેવી ઉંચાઈ અને તેઓ પરના અસંખ્ય, નાના પ્રકારના રંગનું ગૌરવ કાંઈ મન પર ઓછી અસર કરે તેવાં નથી.

૬. આવાં સમાન સુંદર સ્થલમાં ઊંચી નીચી અને આડી અવળી સડક પર કોઈ વખત ધીમે અને કોઈ વખત ઉતાવળે અમારી ગાડી ચાલી જતી હતી. તેની ગતિને અટકાવતી કરાંચીની હાર, અષ્ટાવક્ર પશુઓ(સાંઢીયા)ની કતાર, પનોતાં પ્રાણીઓ (ગધેડાં)નાં ટોળાં, પોઠિયાનાં જુથ, અથવા બ્યુગલના અવાજ સાથે દોડી આવતા ટાંગા જ્યારે આડા આવતા ત્યારે ઘણી સંભાળ રાખવી પડતી હતી, કેમકે, સડક સાંકડી છે અને પડખે પાતાલ ફાટી પડેલું છે, આમાં જો કોઇ ભુલ્યાં ચુક્યાં પડે તો જેલમ નદીમાં સ્નાન કરી તુરતજ સ્વર્ગવાસી થવું પડે. કરાંચીના બળદને રાશ હોતી નથી એ હું અગાડી લખી ગયો છું, અને તેમાં વળી હાંકનાર કોઈ કોઈ વખતે આ ગાડાં પર હોતા નથી તેથી ગાડીનું પ‌ઇ ઘણી વખત કરાંચી સાથે ભરાઇ જાય છે. આ વખતે શું કરવું એ સુજતું નથી. કુદકો મારતાં ખાઇમાં જવાય અને બેસી રહેવું એ પણ ઘણું મુશ્કેલ છે, કેમકે ગાડી જરાક જમણી તરફ ખસે તો, રામરામ. આ પ્રમાણે થતું ત્યારે અમે ધીમેથી નીચે ઉતરીને ગાડીને ઉપાડી સમી મૂકી કરાંચીને ખેસવી અગાડી ચાલતા હતા.

૭. ટાંગાના ઘોડામાં એકને વચમાં રાખે છે અને બીજાને એક બાજુ રાખે છે; આમ કરવાથી એક ઘોડાને વધારે ખેંચવું પડે છે, આમ ઘોડા જોડવાનો રીવાજ ઘણોજ ખરાબ છે.

૮. પર્વત પર ચરતી વિલાયતી જેવી ગાયો, ઘોડાની યાળ જેવા લાંબા વાળવાળાં બકરાં અને તેઓની સાથે એકાદ રીંછ જેવો