પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શિખરના ગડગડાટ જેવો અથવા બ્રહ્માના કમંડલુમાંથી શંકર જટા પર અને શિવ મસ્તક પરથી મેરુ પર્વત પર પડતી ભગીરથીના ઘુઘવાટ જેવો, પગલે પગલે વધતો જતો, પાણીની છોળો ઉડાડતો, અને ઇંદ્ર ધનુષો રચતો, ઘોડાની પીળી કેશવાળી જેવાં ઉછળતા, નીચે જતાં, ફેલાઇ જતાં અને ભેગા થતાં ફીણના ગોટાને ઉત્પન્ન કરતો, ભમર અને વમળને જન્મ આપતો, ખેંચી જતો અને લય કરતો પર્વતોમાં પ્રચંડ પડઘો પાડતો, ગુફાઓમાં ભરાઇ રહેતો, વૃક્ષ વેલી અને પથ્થરોને ધ્રૂજાવતો, પાતાળ ફાડી નાખવા યત્ન કરતો, કાશ્મિરને સપાટ કરવા મથતો, આંખને પોતા તરફ ખેંચતો, કર્ણ વિવર બંધ કરતો, ફોડી નાંખતો, નદીના ઉકળતા, ઉછળતા, પછડાતા ધોધનો ગંભીર અવાજ બહાર નીકળી ચારે દીશામાં ફેલાય છે; સૃષ્ટિના સંધિબંધ તોડી નાખવા ઇચ્છતો હોય તેમ દેખાય છે અને બીજા દરેક અવાજને દબાવી દે છે. તેથી પક્ષીઓ મુંગા હોય, વૃક્ષો હલતાં અને ઘસાતાં છતાં અવાજ ન કરતાં હોય, અને પવન સાચવી સાચવીને સંચરતો હોય તેમ ભાસે છે. આથી યુદ્ધમાં ગયેલા પતિઓને માટે શોક કરવાથી પડતાં અનેક સહસ્ત્ર સુંદરીઓના અશ્રુ જેવાં, વરસાદની અખંડ હેલી જેવાં, અને વસંતમાં ઉંચી ચડી વિખરાઇ જતી, શ્રીમંતના જલયંત્રમાંથી નીકળતી જલધારા જેવાં જલ બિંદુઓ અહર્નિશ ચોપાસ છંટાયા કરે છે. ગંગા, શંકરે મસ્તકપર ધરી અને મને શામાટે નહિ એવી રીસથી જેલમ જાણે પર્વતોપરથી નીચે સૃષ્ટિ પર અને સૃષ્ટિ પરથી નીચે પાતાળમાં શંકર પાસે જ‌ઇ પ્રલય કરવા માગતી હોય તેવી દેખાય છે. ડાબી અને જમણી તરફના ઊંચા ડુંગરો અને ઝાડીમાંથી તે નદીનાંજ બચ્ચાં જેવા અસંખ્ય ધોધ વહી આવતા, માતુશ્રીને મળતા અને અવાજમાં વધારો કરતા નજરે પડે છે.

૫. આ અદ્‌ભૂત જલના સુંદર દેખાવ સિવાય આંખ અને મનને હરી લેનાર, ઊંચા નીચા, લીલા અને ભુરા, બરફથી ઢંકાયેલા અને