પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નીકળી પર્વતોને રંગવા લાગ્યાં. ઉરી ગામનો ડાક બંગલો જ્યાં અમારે રાત રહેવું હતું તે પણ દૃષ્ટિએ પડ્યો. જેલમ નદીના એક વિચિત્ર કાશ્મીરી પુલ પાસે આવી પહોંચ્યા. બન્ને કિનારે મોટાં લાકડાં અથવા ઝાડનાં થડ સાથે બે જોડાજોડ મજબુત ચામડાનાં દોરડાં બાંધેલાં હોય છે, તેની ઉપર આશરે દોઢ હાથ બીજાં બે છૂટાં દોરડાં હોય છે, ઠેઠ નીચલાં દોરડાં અન ઉપલાં બન્ને દોરડાંને છૂટાં રાખવા, નીચેનાં અને ઉપલાં દોરડાં વચ્ચે નાના લાકડાના ડંડિકા બાંધેલા હોય છે. નીચલાં દોરડાં પર પગ રાખી ઉપલાં દોરડાંને ઝાલી માણસો સામસામા ઘાસની ભારીઓ ઉપાડી અને સ્ત્રીઓ બાળકને તેડી ચપલાં પગમાં પહેરી વગર બીકે પુલ ઓળંગ્યા કરે છે. પુલમાં ઘણો ઝોળ પડી જાય છે અને હિંચક્યા કરે છે. એક વખતે કેટલા માણસોએ આ પુલ પર ચાલવું તેનો કાંઈ નિયમ નથી તેથી ઘણા માણસો ચાલવાથી કોઈ કોઈ વખતે અતિ બોજો થવાથી આ ઝુલતો પુલ તુટી જાય છે. નીચે પથ્થરમાં પછડાતી, ઘુઘવાતી, ફૂફવતી જેલમ નદી પૂર જોસથી ચાલી જાય છે. માણસના પગ પાણીથી માત્ર ત્રણચાર હાથ ઊંચા રહે છે. દોરડાનાં આ ભયંકર પુલ પર ચાલવાની અમારામાંથી કોઈની હિમ્મત ચાલી નહિ. કાશ્મીરમાં આવા ઘણા પુલ હોય છે. નાનાં નહેરાં પર એક આડું ગોળ મોટું ઝાડનું થડ મૂકી દે છે. અને તે વિચિત્ર પુલ પર કાશ્મીરી ટટુ અને માણસ દહેશત વિના ચાલ્યાં જાય છે. જેલમ નદી એટલા જોરથી વહે છે કે બારામુલ્લાં પછી વચમાં થાંભલાવાળો એકે પુલ બાંધી શકાયો નથી.

૧૩. એ દોરડાનો પૂલ જોઈ જરા અગાડી ચાલ્યા એટલે એક મોટું મેદાન આવ્યું. લીલું ઘાસ તે પર છવાઇ ગયું હતું. ચોપાસ સુંદર લીલા અને સંધ્યા રાગથી ગુલાબી દીસતા પર્વતો છવાઇ ગયા છે.