પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આવા મેદાનની વચ્ચે એક સારી સગવડવાળો ડાક બંગલો છે તેમાં અમે રાત રહ્યા.


તા. ૧૨-૧૧-૧૮૯૧ :- સવારમાં ચા પીધા પછી આઠ વાગે ઉરી છોડ્યું. રસોડાના સામાન સાથે કેટલાંક માણસોને રસ્તામાં બપોરે જમવાનું તૈયાર રાખવા અગાડી મોકલી આપ્યાં હતાં. આ વળતી મુસાફરીમાં અમે હમેંશા આવી ગોઠવણ કરતા કેમકે જતી વખત તેમ ન કરવાથી અમને ઘણીજ મુશ્કેલી પડી હતી. સાંજે ગરી પહોંચવું હતું. તે ઉરીથી ચોત્રીસ માઇલ દૂર છે.

૨. આ રસ્તો ઘણોજ વિકટ છે. એક બાજુએ ઊંચા પર્વતો અને બીજી બાજુએ એક હજારથી વધારે ફીટ ઊંડી, જેલમના ઘુઘવાટથી ગાજી રહેલી ખાઇ આવી રહેલી છે. કેટલાએક પર્વતો કાળા સખત પથ્થરના છે, કેટલાએક સ્લેટના છે અને કેટલાએક માટીના છે. આ દરેક પર્વત પર સરખાંજ સુશોભિત વૃક્ષો આવી રહેલાં છે, ઉંચાઈમાં પણ ઘણાખરાં સરખાંજ. ગિરના જેવા કાળા કાગડાના વિચિત્ર જાતના અવાજ, કોઇ કોઇ કુંજમાં મધ્યાન્હ સમયે છુપી રહી મધુર ગાયન કરતાં ચંડુલોના સુસ્વર અને વર્ષાની શાંત રાત્રિનું ભાન કરાવતી તમરાંની ધ્વનિ દરેક પર્વત પર સંભળાય છે, સામે ટેકરીઓ પર ચરતાં ઢોર અને પહાડી બકરાં અને ફરતાં જંગલી માણસો દરેક જગ્યાએથી નજરે પડે છે અને નાના મોટાં ઝરણ, ખળખળીયાં અને ધોધથી દરેક પહાડ સુશોભિત દીસે છે; પણ ધૂળના પર્વતો તો નિરંતર ભીનાજ રહે છે; પાસેથી પસાર થતી દરેક વસ્તુને શીતળ કરી દે છે અને ઝાડની અતિઘીચ કુંજ ગલીઓથી છવાએલા છે. આ પર્વતો પર અસંખ્ય ગડગડિયા નાના મોટા પથ્થરો ચોંટી રહેલા છે. સખત વરસાદના ઝપાટાથી આ પથ્થરો ધૂળની સાથે નીચે સડક પર અને સડક પરથી નીચે ખાઈમાં ઠેઠ જેલમ સુધી ધસી પડે છે, આના સપાટામાં જે કોઈ પ્રાણી અથવા ચીજ આવી જાય છે