પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઊંચા ચડતા હતા. કાશ્મીર જતી વખતે જ્યારે એવા ઊંચા પર્વત પરથી એવી ઊંડી ખાઈમાં ચાલી જતી તે જેલમને પ્રથમ જોઈ હતી ત્યારે આ જેલમ છે એમ કોઈએ ધાર્યું નહોતું.

૩. જેલમ માતાએ સંઘાત છોડ્યો. અરે ! તેણે એક માની માફક શ્રીનગરમાં અને શ્રીનગરથી કોહાલા સુધી અમારી સંભાળ લીધી, તેના ખોળામાં અમને રમાડ્યા, તેના પયથી અમારૂં પોષણ કીધું, હાલરડાં ગાઇ અમને આનંદ આપ્યો, ઘુઘરો વગાડી રીઝવ્યા, નવી નવી વસ્તુઓ દૃષ્ટિ આગળ ધરી તૃપ્ત કીધા, આખરે સીતાની માફક પૃથ્વીમાં સમાઇ ગ‌ઇ, તેના પ્રથમના ઇરાદા પ્રમાણે બલિરાજા પાસે ચાલી ગ‌ઇ, વજ્ર જેવા, આ સ્વર્ગના પાષાણોને ફાડી લોપ થ‌ઇ ગઈ, પર્વતોને આડા ધરી સંતાઇ ગ‌ઇ, કોણ જાણે ક્યાંઇ દૃષ્ટિ મર્યાદા બહાર દોડી ગઈ; હવે તેનાં ફરી દર્શન ક્યારે થશે ! તેના વિના ઘાડ, સુંદર, રમણીય, વિશાલ અને નવપલ્લવ વૃક્ષો અને વેલી પણ શૂન્ય દીસવા લાગ્યાં, તેના વિના મોટી મોટી ખીણો સૂની ભાસવા લાગી, તેના વિના મહાન પર્વતો અને બરફથી ઢંકાયેલા શિખરો પણ અલંકાર વિહીન દેખાવા લાગ્યા, જેલમ માતા ગ‌ઇ; ગ‌ઇજ !

૪. કોહાલેથી દશેક માઇલ દૂર નીકળી આવ્યા, ચડાણ અતિશય સખત છે, માણસને ચાલતાં પણ શ્વાસ ચડી જાય અને ઊભા થ‌ઇ રહેવું પડે તેવું છે, તો ધન્ય છે આ છ માણસોને ઝપાટા બંધ ખેંચી જતા ઘોડાને ? કોચમેનને કુમચી ભાગ્યેજ મારવી પડતી હશે પણ તે વારંવાર "બાદરા" અને 'અલારખા' એ શબ્દો બોલી તેના નીમકહલાલ, મજબુત અને તેજ ઘોડાને સાબાશી અને આશિર્વાદ આપતો હતો.

૫. ડોડા રેવડીવાળું ફગવાડી આવ્યું. આ વખતે ત્યાં માણસો અગાડીથી ગયાં હતાં અને રસોઈ તૈયાર હતી તેથી એક ઝાડની એકલ છાંયા નીચે કોઇના ખાટલાપર બેસી જમી લીધું. શ્રીનગરથી