પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દુખવા આવ્યા, પણ ટાઢ ઉડી ગઈ. દીવા નજરે પડ્યા, સોલજરોનાં ટોળાં સામે મળતાં હતાં તેમાં ઘણી વખત કોઇ ભુટકાઇ જતું હતું. આખરે મામુજી શેઠની કોઠી આવી. પથરા અને પાંદડામાં થ‌ઇને ઉપર ચડ્યા પણ બીજો એક માણસ બતી લઈ આવ્યો તેથી કોઇ અહીં પડ્યું નહિ. હતા તેટલા જ અને તેવા જ ઉતારે પહોંચી ગયા; ઈશ્વરની કૃપા. આરામ ખુરશી પર પડ્યા અને ઉનો ચા ખૂબ પીધો. વર્ષાદ નહોતો પડતો પણ ધુમ્મસ અને ઝાકળથી નેવાં ચુતાં હતાં. રાતના દશ થ‌ઇ ગયા. ઊંઘ આવવા લાગી, પણ 'ઓઢવા ઓસરી અને પાથરવા પડથારજ હતાં.' માણસો, એક્કા અને સામાન હજી આવ્યાં નહોતાં. આખરે કોઇ મોજાં વગેરે પાથરી મોટો કોટ ઓઢી સગડી પાસે પડ્યા પણ થોડા વખતમાં માણસો આવી ગયાં. તેઓએ બીછાનાં તૈયાર કર્યાં અને અમે સુઇ રહ્યા. ત્યાર પછી બે ધડકી અને બે બન્નુસ અમે હંમેશાં સાથે જ રાખતા. સવારે ઉઠી કેવી રસોઈ જમીને ચાલ્યા હતા તે અગાડી લખાઈ ગયું છે. હવે, ડાક બંગલામાં અમે સુખે સૂઈ રહ્યા હતા ત્યાર પછી બીજે દિવસે શું થયું તે લખું :


તા. ૧૫-૧૧-૯૧ : સવાર થયું, દરેક વસ્તુ ભીની થ‌ઇ ગ‌ઇ હતી, સૂર્યનાં કિરણો પડવાથી નવપલ્લવ ભીનાં વૃક્ષોની રમણીયતા વધારે રમણીય દીસતી હતી. પર્વતની ઝાડની ઘટાવાળી ખીણો સુંદર છતાં વધારે સુંદર દેખાતી હતી. પર્વત પરના બરફનો ચળકાટ મનોહર છતાં વધારે મનરંજક ભાસતો હતો. પાણીના ધોધની ખુબી બેવડાતી હતી. આકાશ અને વાદળના રંગનું સૌંદર્ય મન પર દ્વિગુણ અસર કરતું હતું. પક્ષિઓના અવાજ આ કુદરતને ભૂષિત કરતા હતા. તેઓના નવીન રંગ પુષ્પના નાના પ્રકારના રંગ સાથે બરાબરી કરતા હતા. મંદ પવન સાથે જરા જરા ખુશબો આવતી હતી. ટાઢ છતાં બહાર ફરવાનું મન થતું હતું.