પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એક જ સાધન તે અહિંંસા; તેને કદી નહીં જ છોડું. જે સત્ય રૂપ પરમેશ્વરને નામે આ પ્રતિજ્ઞા કરી છે તેનું પાલન ક્રવાનું તે બળ આપો.


૩. બ્રહ્મચર્ય

૫-૮-’૩૦, ય. મં
મંગળપ્રભાત
 


આપણાં વ્રતોમાં ત્રીજું વ્રત બ્રહ્મચર્યનું છે. ખરું જોતાં બીજાં બધાં વ્રતો એક સત્યના વ્રતમાંથી જ ઉત્પન્ન થાય છે ને તેને જ અર્થે રહ્યા છે. જે મનુષ્ય સત્યને વરેલ છે, તેની જ ઉપાસના કરે છે તે બીજી કોઇ પણ વસ્તુની આરાધના કરે તો તે વ્યભિચારી ઠર્યો. તો પછી વિકારની આરાધના ક્યાંથી જ કરાય? જેની પ્રવૃતિમાત્ર સત્યનાં દર્શન કરવાને અર્થે છે તે પ્રજોત્પતિકાર્યમાં કે ગૃહસંસાર ચલાવવામાં કેમ જ પડી શકે? ભોગવિલાસથી કોઇને સત્ય જડ્યાનો આજ લગી આપણી પાસે એકે દાખલો નથી.

અથવા અહિંસાના પાલનને લઇએ તો તેનું પૂર્ણ પાલન બ્રહ્મચર્ય વિના અશક્ય છે. અહિંસા એટલે સર્વવ્યાપી પ્રેમ. જ્યાં પુરુષે એક સ્ત્રીને કે સ્ત્રીએ એક પુરુષને પોતાનો પ્રેમ આપ્યો ત્યાં તેની પાસે બીજાને અર્થે શું રહ્યું? એનો અર્થ જ એ થયો, 'અમે બે પહેલાં ને બીજાં બધાં પછી.' પતિવ્રતા સ્ત્રી પુરુષને સારુ અને પત્નીવ્રત પુરુષ સ્ત્રીને સારુ સર્વસ્વ હોમવા તૈયાર થશે, એટલે તેનાથી સર્વવ્યાપી પ્રેમનું પાલન ન જ થઇ શકે એ સ્પષ્ટ છે. એનાથી આખી સૃષ્ટિને