પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પોતાનું કુટુંબ ન જ બનાવી શકાય, કેમ કે તેની પાસે 'પોતાનું' માનેલું એક કુટુંબ મોજૂદ છે અથવા તૈયાર થઇ રહ્યું છે. તેની જેટલી વૃધ્ધિ તેટલો સર્વવ્યાપી પ્રેમમાં વિક્ષેપ થાય છે. આવું થતું આપણે આખા જગતમાં જોઈ રહ્યા છીએ. તેથી અહિંસાવ્રતનું પાલન કરનારથી વિવાહ થઈ ન શકે; વિવાહની બહારના વિકારનું તો પૂછવું જ શું?

ત્યારે જે વિવાહ કરી બેઠાં છે તેમનું શું? તેમને સત્ય કોઇ દહાડો નહિં જડે? તે સર્વાર્પણ કદી નહિ કરી શકે? આપણે તેનો રસ્તો કાઢ્યો જ છે; વિવાહિતે અવિવાહિત જેવાં થઈ જવું. આ દિશામાં આના જેવું સુંદર મેં બીજું કશું અનુભવ્યું નથી. આ સ્થિતિનો રસ જેણે ચાખ્યો છે તે સાક્ષી પૂરી શકશે. આજે તો આ પ્રયોગની સફળતા સિદ્ધ થઈ કહી શકાય. વિવાહિત સ્ત્રીપુરૂષ એક બીજાંને ભાઇબહેન ગણતાં થઈ જાય એટલે બધી જંજાળમાંથી તે મુક્ત થયાં. જગતમાં રહેલી સ્ત્રીમાત્ર બહેન છે, માતા છે, દીકરી છે એ વિચાર જ માણસને એકદમ ઊંચે લઈ જનાર છે, બંધનમાંથી મુક્તિ આપનાર થઈ પડે છે. આમાં પતિપત્ની કંઈ ખોતાં નથી, પણ પોતાની પૂંજીમાં વધારો કરે છે, કુટુંબ વધારે છે, પ્રેમ પણ વિકારરૂપી મેલ કાઢવાથી વધારે છે. વિકાર જવાથી એકબીજાની સેવા વધારે સારી થઈ શકે છે, એકબીજા વચ્ચે કંકાસના પ્રસંગ ઓછા થાય છે. જ્યાં સ્વાર્થી, એકાંગી પ્રેમ છે ત્યાં કંકાસને વધારે સ્થાન રહે છે.

ઉપરનો પ્રધાન વિચાર કર્યા પછી ને તે હૃદયમાં ઠસ્યા પછી બ્રહ્મચર્યથી થતા શારીરિક લાભ, વીર્યલાભ વગેરે બહુ ગૌણ થઈ પડે છે. ઇરાદાપૂર્વક ભોગવિલાસ ખાતર વીર્યહાનિ