પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કરવી અને શરીરને નિચોવવું એ કેવી મૂર્ખાઇ ગણાય? વીર્યનો ઉપયોગ બન્નેની શારીરિક અને માનસિક શક્તિ વધારવાને સારુ છે. તેનો વિષયભોગમાં ઉપયોગ કરવો તે તેનો અતિ દુરૂપયોગ છે, અને તેથી તે ઘણા રોગોનું મૂળ થઈ પડે છે.

આવું બ્રહ્મચર્ય મન, વચન અને કાયાથી પાળવાનું હોય. વ્રતમાત્રનું એમ જ સમજવું. જે શરીરને કાબૂમાં રાખતો જણાય છે પણ મનથી વિકારને પોષ્યા કરે છે તે મૂઢ મિથ્યાચારી છે એમ આપણે ગીતામાં જોયું છે; સહુએ એ અનુભવ્યું હોય છે. મનને વિકારી રહેવા દેવું ને શરીરને દાબવાનો પ્રયત્ન કરવો તેમાં નુકશાન જ છે. જ્યાં મન છે ત્યાં શરીર છેવટે ઘસડાયા વિના નહિ જ રહે. અહિં એક ભેદ સમજી લેવાની આવશ્યકતા છે. મનને વિકારવશ થવા દેવું એ એક વાત છે; મન પોતાની મેળે, અનિચ્છાએ, બળાત્કારે વિકારી થાય કે થયા કરે એ જુદી વાત છે. એ વિકારમાં આપણે સહાયભૂત ન થઈએ તો છેવટે જીત જ થાય છે. શરીર હાથમાં રહે છે પણ મન નથી રહેતું. એવું આપણે ક્ષણે ક્ષણે અનુભવીએ છીએ. તેથી શરીરને તો તુરત કબજે લઈ મનને કબજે લેવાનો નિત્ય પ્રયત્ન કરવો, એટલે આપણે કર્તવ્યપાલન કરી ચૂક્યા. મનને વશ થયા એટલે શરીર ને મનનો વિરોધ થયો, મિથ્યાચારનો આરંભ થયો. મનોવિકારને દબાવ્યા જ કરીએ ત્યાં લગી બન્ને સાથે જનાર છે એમ કહેવાય.

આ બ્રહ્મચર્યનું પાલન બહુ મુશ્કેલ, લગભગ અશક્ય માનવામાં આવ્યું છે. તેનાં કારણ શોધતાં એમ જોવામાં આવે છે કે બ્રહ્મચર્યનો સાંકળો અર્થ કરવામાં આવ્યો છે.