પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મીઠાની આવશ્યકતા અન્નમાં છે એમ આપણેજાણતા હોઈએ ને તેથી તેમાં મીઠું નાખવું એમાં વ્રતભંગ નથી. શરીર પોષણને સારુ આવશ્યકતા ન હોય છતાં મનને છેતરવા સારુ આવશ્યકતાનું આરોપણ કરીને કંઈ વસ્તુ ઉમેરવી એ તો મિથ્યાચાર થયો ગણાય.

આ પ્રમાણે વિચારતાં આપણે જોઈશું કે અનેક વસ્તુઓ આપણે લઈએ છીએ તે શરીરરક્ષાને સારુ આવશ્યક ન હોઈ ત્યાજ્ય થઈ જાય છે. અને એમ અસંખ્ય વસ્તુનો ત્યાગ સહજ થઈ જાય તેના વિકારમાત્ર શમી જાય. 'એક તોલડી તેર વાનાં માંગે છે', 'પેટ કરાવે વેઠ, પેટ વાજાં વગડાવે' આ બધાં વચનોમાં બહુ સાર સમાયેલો છે. આ વિષય ઉપર એટલું બધું ઓછું ધ્યાન દેવાયું છે કે વ્રતની દ્રષ્ટિએ ખોરાકની પસંદગી લગભગ અશક્ય થઈ પડી છે. વળી બચપણથી જ માબાપ ખોટું હેત કરીને અનેક પ્રકારના સ્વાદો કરાવી શરીરને બગાડી મૂકે છે ને જીભને કૂતરી કરી મૂકે છે, જેથી સમજણો થતો સંસાર શરીરે રોગી ને સ્વાદદૃષ્ટિએ મહાવિકારી જોવામાં આવે છે. આનાં કડાવાં પરિણામ આપણે ડગલે ને પગલે અનુભવીએ છીએ: અનેક ખર્ચમાં પડીએ છીએ, વૈદ્યદાકતરોને સેવીએ છીએ, ને શરીર થયા ઇન્દ્રિયોને વશમાં રાખવાને બદલે તેમના ગુલામ થઈ અપંગ જેવા થઈ રહીએ છીએ. એક અનુભવી વૈદ્યનું વચન છે કે જગતમાં તેણે એક પણ નીરોગી મનુષ્યને જોયો નહોતો. જરા પણ સ્વાદ થયો ત્યારે જ શરીર ભ્રષ્ટ થયું ને ત્યારથી જ ઉપવાસની આવશ્યકતા તે શરીરને સારુ પેદા થઈ.