પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આ વિચાર શ્રેણીથી કોઈએ ગભરાવાની જરૂર નથી. અસ્વાદવ્રતની ભયંકરતા કોઈએ તે છોડવાની પણ જરૂર નથી. આપણે કોઈ વ્રત લઈએ છીએ ત્યારથી તે સંપૂર્ણતાએ પાળતા થઈ ગયા એવો અર્થ નથી. વ્રત લેવું એટલે તેનું સંપૂર્ણ પાલન કરવાનો પ્રામાણિક, દૃઢ પ્રયત્ન મન, વચન, કર્મથી મરણ લગી કરવો. અમુક વ્રત મુશ્કેલ છે તેથી તેની વ્યાખ્યા મોળી કરી મનને છેતરીએ નહિ. આપણી સગવડને સારુ આદર્શને ઉતારવામાં અસત્ય છે, આપણું પતન છે. આદર્શને સ્વતંત્રપણે જાણી તે ગમે તેટલો કઠિન હોય છતાં તેને પહોંચવાનો માથાતૂટ પ્રયત્ન કરવો એ પરમ અર્થ છે - પુરુષાર્થ છે. ( પુરુષ શબ્દનો અર્થ કેવળ નર ન કરતાં મૂળ અર્થ કરવો પુરમાં એટલે શરીરમાં રહે છે તે પુરુષ. આમ અર્થ કરતાં પુરુષાર્થ શબ્દનો ઉપયોગ નરનારી બન્નેને સારુ થઈ શકે.) મહાવ્રતોને સંપૂર્ણતાએ ત્રણે કાળ પાળવા જે સમર્થ છે તેને આ જગતમાં કંઈ કરવાપણું નથી; તે ભગવાન છે, તે મુક્ત છે. આપણે તો અલ્પ મુમુક્ષુ , જિજ્ઞાસુ, સત્યનો આગ્રહ રાખનારાં, તેની શોધ કરતાં પ્રાણી છીએ. એટલે ગીતાની ભાષામાં ધીરેધીરે પણ અતંદ્રિત રહી પ્રયત્ન કર્યા કરીએ. આમ કરશું તો કોક દિવસ પ્રભુપ્રસાદીને સારુ લાયક થઈશું ને ત્યારે આપણા રસમાત્ર બળી જશે.

અસ્વાદવ્રતનું મહત્ત્વ જો સમજ્યા હોઇએ તો આપણે તેના પાલનને સારુ નવો પ્રયત્ન કરીએ. તેને સારુ ચોવીસે કલાક ખાવાના જ વિચારો કરવાની આવશ્યકતા નથી રહેતી; માત્ર સાવધાનીની, જાગૃતિની અતિ આવશ્યકતા રહે છે. આમ કરવાથી થોડા જ સમયમાં આપણે ક્યાં સ્વાદ કરીએ છીએ