પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


૬. અપરિગ્રહ

૨૬-૮-’૩૦, ય. મં
મંગળપ્રભાત
 

પરિગ્રહ અસ્તેયને લગતું ગણાય. જે મૂળમાં ચોરેલું નથી તે અનાવશ્યક એકઠું કરવાથી ચોરીના માલ જેવું થઈ જાય છે. પરિગ્રહ એટલે સંચય અથવા એકઠું કરવું. સત્યશોધક, અહિંસક પરિગ્રહ ન કરી શકે. પરમાત્મા પરિગ્રહ કરતો નથી. તેને 'જોઈતી' વસ્તુ તે રોજની રોજ પેદા કરે છે. એટલે જો આપણે તેની ઉપર વિશ્વાસ રાખીએ તો સમજીએ કે આપણને જોઈતી વસ્તુ તે રોજની રોજ આપે છે, આપશે. ઓલિયાઓનો, ભક્તોનો આ અનુભવ છે. રોજના પૂરતું જ રોજ પેદા કરવાના ઈશ્વરી નિયમને આપણે જાણતાં નથી, અથવા જાણવા છતાં પાળતાં નથી. તેથી જગતમાં વિષમતા ને તેથી થતાં દુઃખો અનુભવીએ છીએ. ધનાઢ્યને ત્યાં તેને ન જોઈતી વસ્તુઓ ભરી હોય છે, રખડી જાય છે, બગડી જાય છે; જ્યારે તેમને અભાવે કરોડો રવડે છે, ભૂખે મરે છે, ટાઢે ઠરે છે. સહુ પોતાને જોઈતો જ સંગ્રહ કરે તો કોઈને તંગી ન આવે ને સહુને સંતોષ રહે. આજ તો બન્ને તંગી અનુભવે છે. કરોડપતિ અબજપતિ થવા મથે છે, તોયે તેને સંતોષ નથી રહેતો. કંગાળ કરોડપતિ થવા ઈચ્છે છે; કંગાળને પેટપૂરતું જ મળવાથી સંતોષ પેદા થતો જોવામાં નથી આવતો પણ કંગાળને પેટપૂરતું મળવાનો અધિકાર છે, અને સમાજનો તેને તેટલું મેળવતો કરવાનો ધર્મ છે. તેથી તેના અને પોતાના સંતોષને ખાતર ધનાઢ્યે પહેલ કરવી ઘટે. તે પોતાનો અત્યંત પરિગ્રહ છોડે તો કંગાળને પોતા-પૂરતું