પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


૭. અભય

૨-૯-’૩૦
મંગળપ્રભાત
 

આની ગણના સોળમા અધ્યાયમાં દૈવી સંપદનું વર્ણન કરતાં ભગવાને પહેલી કરી છે. એ શ્ર્લોક બેસાડવાની સગવડ ખાતર હો કે અભયને પ્રથમ સ્થાન હોવું જોઈએ તેથી, એ વિવાદમાં હું ન ઊતરું; એવો નિર્ણય કરવાની મારામાં યોગ્યતા પણ નથી. મારી મતિ પ્રમાણે અભયને અનાયાસે પ્રથમ સ્થાન મળ્યું હોય તોયે તેને તે યોગ્ય જ છે. અભય વિના બીજી સંપત્તિઓ ન સાંપડે. અભય વિના સત્યની શોધ કેમ થાય ? અભય વિના અહિંસાનું પાલન કેમ થાય ? ‘હરિનો મારગ છે શૂરાનો નહીં કાયરનું કામ જોને.’ સત્ય એ જ હરિ, એ જ રામ, એ જ નારાયણ, એ જ વાસુદેવ. કાયર એટલે ભયભીત બીકણો; શૂરો એટલે ભયમુક્ત, તલવારાદિ કસેલો નહીં. તલવાર શૂરની સંજ્ઞા નથી, બીકની નિશાની છે.

અભય એટલે બાહ્ય ભય માત્રથી મુક્તિ. મોતનો ભય, ધનમાલ લૂંટાવાનો ભય, કુટુંબ પરિવાર વિષેનો ભય, રોગનો ભય, શસ્ત્રપ્રહારનો ભય, આબરૂનો ભય, કોઈને ખોટું લગાડવાનો ભય, એમ ભયની વંશાવળી જેટલી લંબાવીએ તેટલી લંબાવી શકાય. એક માત્ર મોતનો ભય જીત્યો એટલે બધા ભયો જીત્યા એમ સામાન્ય રીતે કહેવાય છે; પણ એ બરોબર નથી લાગતું. ઘણા મોતનો ભય છોડે છે, છતાં નાના પ્રકારનાં દુઃખોથી નાસે છે. કોઈ પોતે મરવા તૈયાર હોય છે, પણ