પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


૧૦. સર્વધર્મ સમભાવ - ૧

૨૩-૯-’૩૦
મંગળપ્રભાત
 


આપણા વ્રતોમાં જે વ્રતને સહિષ્ણુતાને નામે ઓળખીએ છીએ તેને આ નવું નામ આપ્યું છે. સહિષ્ણુતા અંગ્રેજી શબ્દ 'ટૉલરેશન' નો અનુવાદ છે. એ મને ગમ્યો ન હતો, પણ બીજું નામ સૂઝતું ન હતું. કાકાસાહેબને પણ એ નહોતું ગમ્યું. તેમને સર્વધર્મઆદર શબ્દ સૂચવ્યો. મને એ પણ ન ગમ્યો. બીજા ધર્મોને સહન કરવામાં તેની ઊણપ માની લેવામાં આવે છે. આદરમાં મહેરબાનીનો ભાવ આવે છે. અહિંસા આપણને બીજા ધર્મો પ્રત્યે સમભવ શીખવે છે. આદર અને સહિષ્ણુતા અહિંસાદૃષ્ટિએ પૂરતાં નથી. બીજા ધર્મો પ્રત્યે સમભાવ રાખવાના મૂળમાં પોતાના ધર્મની અપૂર્ણતાનો સ્વીકાર આવી જ જાય છે. અને સત્યની આરાધના, અહિંસાની કસોટી એ જ શીખવે. સંપૂર્ણ સત્ય જો આપણે જોયું હોત તો પછી સત્યનો આગ્રહ શો? તો તો આપણે પરમેશ્વર થયા. કેમકે સત્ય એ જ પરમેશ્વર છે એવી આપણી ભાવના છે. આપણે પૂર્ણ સત્યને ઓળખતા નથી તેથી તેનો આગ્રહ રાખીએ છીએ, તેથી જ પુરુષાર્થને અવકાશ છે. આમાં આપણી અપૂર્ણતાનો સ્વીકાર આવ્યો. જો આપણે અપૂર્ણ તો આપણે કલ્પેલો ધર્મ પણ અપૂર્ણ. સ્વતંત્ર ધર્મ સંપૂર્ણ છે. તે આપણે જોયો નથી, જેમ ઈશ્વરને જોયો નથી. આપણે માનેલો ધર્મ અપૂર્ણ છે ને તેમાં નિત્ય ફેરફારો થયાં કરે છે, થયા કરવાના. આમ થાય તો જ આપણે ઉત્તરોત્તર ચડી શકીએ, સત્ય પ્રતિ, ઈશ્વરપ્રતિ રોજ ને રોજ આગળ જતા