પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જઈએ. અને જો મનુષ્યકલ્પિત બધા ધર્મ અપૂર્ણ માનીએ તો પછી કોઈને ઊંચનીચ માનવાપણું રહેતું નથી, બધા સાચા છે, પણ બધા અપૂર્ણ છે, તેથી દોષને પાત્ર છે. સમભાવ હોવાં છતાં આપણે તેમાં દોષ જોઈ શકતા હોઈએ. પોતાનામાં પણ દોષ જોઈએ. એ દોષને લીધે તેનો ત્યાગ ન કરીએ પણ દોષ ટાળીએ. આમ સમભાવ રાખીએ એટલે બીજા ધર્મોમાં જે કંઈ ગ્રાહ્યલાગે તેને પોતાના ધર્મમાં સ્થાન આપતાં અસંકોચ ન થાય, એટલું જ નહિ પણ એમ કરવાનો ધર્મ પ્રપ્ત થાય.

બધા ધર્મો ઈશ્વરદત્ત છે, પણ તે મનુષ્યકલ્પિત હોવાથી, મનુષ્ય તેનો પ્રચાર કરતો હોવાથી તે અપૂર્ણ છે. ઈશ્વરદત્ત ધર્મ અગમ્ય છે. તેને ભાષામાં મનુષ્ય મૂકે છે, તેનો અર્થ પણ મનુષ્ય કરે છે. કોનો અર્થ સાચો? સહુ પોતપોતાની દૃષ્ટિએ જ્યાં લગી એ દૃષ્ટિ વર્તે ત્યાં લગી સાચા. પણ સહુ ખોટા પણ હોવાનો અસંભવ નથી. તેથી જ આપણે બધા ધર્મ પ્રત્યે સમભાવ રાખીએ. આમાં પોતાના ધર્મ પ્રત્યે ઉદાસીનતા નથી આવતી, પણ પોતાના ધર્મ પ્રત્યેનો પ્રેમ આંધળો મટી જ્ઞાનમય થાય છે, તેથી વધારે સાત્વિક, નિર્મળ બને છે. બધા ધર્મ પ્રત્યે સમભાવ આવે તો જ આપણાં દિવ્ય ચક્ષુ ખૂલે. ધર્માન્ધતા ને દિવ્યદર્શન વચ્ચે ઉત્તરદક્ષિણ જેટલું અંતર છે. ધર્મજ્ઞાન થતાં અંતરાયો ઊડી જાય છે અને સમભવ પેદા થાય છે. આ સમભવ કેળવતાં આપણે આપણા ધર્મને વધારે ઓળખવાના.

અહીં ધર્મઅધર્મનો ભેદ નથી ટળતો. અહીં જે અંકાયેલા ધર્મો તરીકે આપણે જાણીએ છીએ તેમની વાત છે.