પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અને બધામાં મૂળ નૈતિક સિદ્ધાન્તો એકસરખા જોતો. કેટાલીક વસ્તુઓ હું ન સમજી શકતો. તેમજ હિંદુ ધર્મ પુસ્તકોનું હતું. આજ પણ કેટલુંયે નથી સમજતો. પણ અનુભવે જોઉં છું કે જે આપણે ન સમજી શકીએ તે ખોટું જ છે એમ માનવાની ઉતાવાળ કરવી એ ભૂલ છે. જે કેટલુંક પૂર્વે ન સમજાતું એ આજે દીવા જેવું લાગે છે. સમભાવ કેળવવાથી અનેક ગૂંચો પોતાની મેળે જ ઊકલી જાય છે; અને જ્યાં આપણને દોષ જ જોવામાં આવે ત્યાં તે દર્શાવવામાં પણ જે નમ્રતા અને વિવેક હોય છે તેથી કોઈને દુઃખ નથી થતું.

એક મૂંઝવણ કદાચ રહે છે. ગયે વખતે મેં જણાવ્યું કે ધર્મઅધર્મનો ભેદ રહે છે, અને અધર્મ પ્રત્યે અમભાવ કેળવવાનો અહીં ઉદ્દેશ નથી. આમ જ હોય તો ધર્માધર્મનો નિર્ણય કરવામાં જ સમભાવની સાંકળ તૂટી નથી જતી? આવો પ્રશ્ન થાય. અને એવો નિર્ણય કરનાર ભૂલ કરે એમ પણ સંભવે. પન આપણામાં ખરે અહિંસા વર્તતી હોય તો આપણે વેરભાવમાંથી બચી જઈએ છીએ. કેમકે અધર્મ જોતાં છતાં તે અધર્મને આચરનાર પ્રત્યે તો પ્રેમભાવ જ હશે. અને તેથી કાંતો તે આપણી દૃષ્ટિનો સ્વીકાર કરશે, અથવા આપણી ભૂલ આપણને બતાવશે. અથવા બન્ને એકબીજાના મતભેદને સહન કરશે. છેવટે, સામેનો અહિંસક નહિ હોય તો એ કઠોરતા વાપરશે; તોયે આપણે જો અહિંસાના ખરા પૂજારી હોઈશું તો આપણી મૃદુતા તેની કઠોરતાને નિવારશે જ એમાં શંકા નથી. પારકાની ભૂલને સારુ પણ આપણે તેને પીડવા નથી, આપણે પીડાવું છે, એ સુવર્ણનિયમને જે પાળે છે તે બધાં સંકટોમાંથી ઊગરી જાય છે.