પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ને ગાનેરે આ વિચાર સાવ સ્વાભાવિક હોય તેમ ઝીલી લીધો. ને ત્યાર પછી રુસ્તમજી શેઠ હાજર હોય ત્યારે તો અચૂક અને તે ન હોય ત્યારે કોઈ કોઈ વાર અમે એ ભજન 'દાદા હોરમઝદ' ને નામે ગાતા. સદ્ગત દાઉદ શેઠનો દીકરો સદ્ગત હુસેન તો આશ્રમમાં ઘણીવાર રહેતો. તે પ્રાર્થનામાં ઉત્સાહપૂર્વક ભળતો. તે પોતે બહુ મીઠા સૂરમાં 'ઑર્ગન' સાથે' યે બસારે બાગ દુનિયા ચંદ રોજ' ગાતો, અને તે ભજન અમને બધાંને એણે શીખવી દીધું હતું ને પ્રાર્થનામાં ઘણી વાર ગવાતું. આપણી અહીંની પ્રાર્થનામાળામાં તેને સ્થાન છે તે સત્ય પ્રિય હુસેનનું સ્મરણ છે. એના કરતાં વધારે ચુસ્તપણે સત્ય આચરનારા નવજુવાન મેં જોયા નથી. જૉસેફ રૉપપૅન આશ્રમમાં ઘણી વાર આવે જાય. તે ખ્રિસ્તી; તેમને 'વૈષ્ણવજન' બહુ ગમતું. તે સંગીત સરસ જાણે. તેમણે 'વૈષ્ણવજન'ને ઠેકાણે 'ક્રિશ્ચિયન જન તો તેને કહીએ' એમ લલકાર્યું. બધાંએ તરત ઝીલ્યું. જૉસેફના હર્ષનો પાર ન રહ્યો એમ મેં જોયું.

આત્મસંતોષને સારુ જયરે હું જુદાંજુદાં ધર્મ પુસ્તકો ઉથલાવી રહ્યો હતો ત્યારે ખ્રિસ્તીધર્મ, ઇસ્લામ, જરથુસ્તી, યહૂદી અને હિંદુ એટલાનાં પુસ્તકોનો મારા સંતોષપૂરતો પરિચય કર્યો. તેમ કરતાં મને આ બધા ધર્મો પ્રત્યે સમભાવ હતો એમ કહી શકું છું. તે વખતે મને એ જ્ઞાન હતું એમ નથી કહેતો. સમભાવ શબ્દનો પણ પૂરો પરિચય એ વેળા નહિ હોય. પણ એ વખતનાં મારાં સ્મરણ તાજાં કરું છું તો મને તે તે ધર્મોની ટીકા કરવાની ઇચ્છા સરખીયે થઈ યાદ નથી. પણ એમનાં પુસ્તકો ધર્મનાં પુસ્તકો સમજી આદરપૂર્વક વાંચતો