પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આ અર્થ ખરો હોય તો આપણે સહેજે સમજી જઈએ કે આપણી પાસે રહેલાની સેવામાં ઓતપ્રોત થઈ રહેવું એ સ્વદેશી ધર્મ છે. એ સેવા કરતાં દૂરનાં રહી જાય છે અથવા તેને હાનિ થાય છે એવો આભાસ આવવાનો સંભવ છે. પણ તે આભાસમાત્ર હશે. સ્વદેશીની શુદ્ધ સેવા કરતાં પરદેશીની પણ શુદ્ધ સેવા થાય જ છે. જેવું પિંડે તેવું બ્રહ્માંડે.

એથી ઊલટું દૂરની સેવા કરવાનો મોહ રાખતાં તે થતી નથી ને પડોશીની સેવા રહી જાય છે. એમ બાવાનાં બેઉ બગડે છે. મારી ઉપર આધાર રાખનાર કુટુંબીજન અથવા ગ્રામવાસીને મેં મૂક્યાં એટલે મારી ઉપરનો તેમનો જે આધાર હોય તે ગયો. દૂરનાની સેવા કરવા જતાં તેની સેવા કરવાનો જેનો ધર્મ છે તે તેને ભૂલે છે. દૂરનાની આળપંપાળ તે કરતો હોય તેમ બને, એટલે ત્યાંનું વાતાવરણ તેણે બગાડ્યું ને પોતાનું ચૂંથીને તો તે ચાલ્યો જ હતો. આમ દરેક રીતે તેણે નુક્સાન જ કર્યું. આવા હિસાબો અસંખ્ય કલ્પી સ્વદેશી ધર્મ સિદ્ધ કરી શકાય. તેથી જ ‘સ્વધર્મે નિધન શ્રેયઃ પરધર્મો ભયાવહ’ વાક્ય નિકળ્યું છે. એનો અર્થ આમ જરૂર કરી શકાય. 'સ્વદેશી પાળતાં મૃત્યુ થાય તોયે સારું છે, પરદેશી તો ભયાનક જ છે.’ સ્વધર્મ એટલે સ્વદેશી.

સ્વદેશી ન સમજવાથી જ ગોટો વળે છે. કુટુંબની ઉપર મોહ રાખી હું તેને પંપાળું, તેને ખાતર ધન ચોરું, બીજાં કાવત્રાં રચું એ સ્વદેશી નથી. મારે તો તેના પ્રત્યેનો ધર્મ પાળવાનો રહ્યો છે. તે ધર્મ શોધતાં ને પાળતાં મને સર્વવ્યાપી ધર્મ મળી રહે. સ્વધર્મના પાલનથી પરધર્મીને કે પરધર્મને હાનિ પહોંચે જ નહિ, પહોંચવી જોઈએ નહિ.