પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


૧૩. સ્વદેશી


પ્રવચનોમાં 'સ્વદેશી' ઉપર લખવાનું માંડી જ વાળીશ. રાજ્યપ્રકરણને લગતા વિષયોને ન છેડવાનો સંકલ્પ છે તેમાં કંઈ ત્રુટી આવે એમ લાગે છે. સ્વદેશીનું કેવળ ધાર્મિક દૃષ્ટિએ લખતાં પણ કેટલુંક એવું લખવું જોઈએ કે જેનો રાજ્યપ્રકરણની સાથે આડકતરો સંબંધ હોય.


૧૪. સ્વદેશીવ્રત

સ્વદેશીવ્રત આ યુગનું મહાવત છે. જે વસ્તુ આત્માનો ધર્મ છે પણ અજ્ઞાનને કે બીજે કારણે આત્માને જેનું ભાન નથી રહ્યું તેના પાલનને સારુ વ્રત લેવાની જરૂર પડે છે. એ સ્વભાવે નિરામિષાહારી છે તેને આમિષાહાર ન કરવાનું વ્રત લેવાપણું ન હોય. આમિષ તેને સારુ પ્રલોભન નથી એટલું જ નહિ, પણ આમિષ જોતાં તેને ઓકારી આવશે.

સ્વદેશી આત્માનો ધર્મ છે પણ તે ભુલાઈ ગયો છે, તેથી તેને વિષે વ્રત લેવાની જરૂર રહે છે. આત્માને સારુ સ્વદેશીનો અંતિમ અર્થ સ્થૂળ સંબંધોમાત્રથી આત્યંતિક મુક્તિ છે. દેહ પણ તેને સારુ પરદેશી છે. કેમકે દેહ બીજા આત્માઓની સાથે ઐક્ય સાધતાં તેને રોકે છે, તેના માર્ગમાં વિઘ્નરૂપ છે. જીવમાત્રની સાથે ઐક્ય સાધતાં સ્વદેશી ધર્મને જાણનાર ને પાળનાર દેહનો પણ ત્યાગ કરે.