પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પોતાના દેહને ફેંકી દીધો. આ નમ્રતા એટલે પુરુષાર્થ રહિતતા ન હોય ? એવો અર્થ હિંદુ ધર્મમાં કરી નખાયો છે ખરો. અને તેથી આળસને, પાખંડને ઘણી જગાએ સ્થાન મળી ગયું છે. ખરું જોતાં નમ્રતા એટલે તીવ્રતમ પુરુષાર્થ. પણ તે બધો પરમાર્થને કારણે હોય. ઈશ્વર પોતે ચોવીસે કલાકે એક શ્વાસે કામ કર્યા કરે છે, આળસ મરડવા સરખીયે ફુરસદ લેતો નથી. તેના આપણે થઈ જઈએ, તેનામાં ભળી જઈએ, એટલે આપણો ઉદ્યમ તેના જેવો જ અતંદ્રિત થયો - થવો જોઈએ. સમુદ્રથી છુટેલા બિંદુને સારુ આરામની કલ્પના આપણે કરી શકીએ છીએ; પણ સમુદ્રમાં રહેલા બિંદુને આરામ ક્યાંથી ? સમુદ્રને એક ક્ષણનો પણ આરામ છે જ ક્યાં? બરાબર એ જ પ્રમાણે આપણું છે. ઈશ્વરરૂપી સમુદ્રમાં આપણે મળી જઈએ એટલે આપણો આરામ ગયો, આરામની જરૂર પણ ગઈ. એ જ ખરો આરામ; એ મહાશાંતિમાં શાંતિ. તેથી ખરી નમ્રતા આપણી પાસે જીવમાત્રની સેવાઅર્થે સર્વાર્પણની આશા રાખે છે. બધું પરવાર્યા પછી આપણી પાસે નથી રહેતો રવિવાર કે શુક્રવાર કે સોમવાર. આ સ્થિતિનું વર્ણન આપવું મુશ્કેલ છે, પણ એ અનુભવગમ્ય છે. જેણે સર્વાર્પણ કર્યું છે તેણે તે અનુભવી છે. આપણે બધાં અનુભવી શકીએ છીએ. એ અનુભવવાના ઇરદાથી આશ્રમાં ભેળાં થયાં છીએ. બધાં વ્રતો, બધી પ્રવૃત્તિ તે અનુભવવા સારુ છે. બીજુંત્રીજું કરતાં એ કોઈક દિવસ આપણે હાથ આવી જશે. એને જ શોધવા જતાં એ પ્રાપ્ય નથી.