પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દર્શન કરાવે છે; ભલે તેને પોતે નમ્રતાને નામે ઓળખાવે.એમાં નમ્રતાની ગંધ સરખી યે નથી. 'બને ત્યાં સુધી' વચન શુભ નિશ્ચયોમાં ઝેરસમાન છે એમ મેં તો મારા પોતાના જીવનમાં ને ઘણાંઓનાં જીવનમાં જોયું છે. 'બને ત્યાં સુધી' કરવું એટલે પહેલી અગવડે પડી જવું. 'સત્ય બને ત્યાં સુધી પાળીશ' એ વાક્યનો અર્થ જ નથી. વેપારમાં કોઈ બને ત્યાં સુધી અમુક તારીખે અમુક રકમ ભરવાની ચિઠ્ઠીનો ક્યાંયે ચેક કે હૂંડીસ્વરૂપે સ્વીકાર નહિ થાય. તેમ જ બને ત્યાં લગી સત્ય પાળનારની હૂંડી ઈશ્વરની દુકાને વટાવી નહિ શકાય.

ઈશ્વર પોતે નિશ્ચયની, વ્રતની સંપૂર્ણ મૂર્તિ છે. એના કાયદામાંથી એક અણુ પણ ફરે તો એ ઈશ્વર મટે. સૂર્ય મહાવ્રતધારી છે, તેથી જગતનો કાળ નિર્માણ થાય છે ને શુધ્ધ પંચાગો રચી શકાય છે. તેણે એવી શાખ પાડી છે કે તે હંમેશાં ઊગ્યો છે ને હંમેશાં ઊગ્યા કરશે, ને તેથી જ આપણે આપણને સુરક્ષિત માનીએ છીએ. વેપારમાત્રનો આધાર એક ટેક ઉપર રહ્યો છે. વેપારીઓ એકબીજા પ્રત્યે બંધાય નહિ તો વેપાર ચાલે જ નહિ. આમ વ્રત સર્વવ્યાપક વસ્તુ જોવામાં આવે છે. તો પછી જ્યારે આપણે પોતાનું જીવન બાંધવાનો પ્રશ્ન ઊઠે, ઇશ્વરદર્શન કરવાનો પ્રશ્ન રહ્યો છે, ત્યાં વ્રત વિના કેમ ચાલી શકે? તેથી વ્રતની આવશ્યકતા વિષે આપણાં મનમાં કદી શંકા ન જ ઊઠો.