પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


પરિશિષ્ટ

[વ્રતવિચારના અભ્યાસીને ઉપયોગી થશે એમ માની આશ્રમની નિયમાવલિમાંથી નીચેનો ભાગ આપવામાં આવ્યો છે.]
૧. સત્ય

સામાન્ય વહેવારમાં અસત્ય ન બોલવું કે ન આચરવું એટલો જ સત્યનો અર્થ નથી. પણ સત્ય એ જ પરમેશ્વર છે ને તે સિવાય બીજું કશું નથી. એ સત્યની શોધ અને પૂજાને અંગે જ બીજા બધા નિયમોની આવશ્યકતા રહે છે અને તેમાંથી જ તેમની ઉત્પત્તિ છે. આ સત્યના ઉપાસક પોતે કલ્પેલા દેશહિતને સારુ પણ અસત્ય નહિ બોલે, નહિ આચરે. સત્યને અર્થે તે પ્રહ્લાદની જેમ માતાપિતાદી વડીલોની આજ્ઞાનો પણ વિનયપૂર્વક ભંગ કરવામાં ધર્મ સમજે.

૨. અહિંસા

પ્રાણીઓનો વધ ન કરવો એટલું જ આ વ્રતના પાલનને સારુ બસ નથી. અહિંસા એટલે સૂક્ષ્મ જંતુઓથી માંડીને મનુષ્ય સુધી બધા જીવો પ્રત્યે સમભાવ. એ વ્રતોનો પાલક ઘોર અન્યાય કરનાર પ્રત્યે પણ ક્રોધ ન કરે, પણ તેના ઉપર પ્રેમભાવ રાખે, તેનું હિત ઇચ્છે ને કરે. પણ પ્રેમ કરતો છતો અન્યાયીના અન્યાયને વશ ન થાય, અન્યાયનો વિરોધ કરે ને તેમ કરતાં તે જે કષ્ટ આપે તે ધીરજપૂર્વક અને અન્યાયીનો દ્વેષ કર્યા વિના સહન કરે.