પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અસ્પૃશ્યતાનિવારણને નિયમમાં સ્થાન આપ્યું છે. અસ્પૃશ્ય ગણાતાંને સારુ બીજી જાતિઓના જેટલું જ આશ્રમમાં સ્થાન છે.

આશ્રમ જાતિભેદને માનતું નથી. જાતિભેદથી હિંદુધર્મને નુકસાન થયું છે એવી માન્યતા છે. તેમાં રહેલી ઊંચનીચની અને આભડછેટની ભાવના અહિંસાધર્મની ઘાતક છે. આશ્રમ વર્ણાશ્રમધર્મને માને છે. તેમાંની વર્ણવ્યવસ્થા કેવળ ધંધાને આધીન છે એમ જણાય છે તેથી વર્ણ-નીતિનું માબાપના ધંધામાંથી આજીવિકા પેદા કરી બાકીનો સમય શુધ્ધ જ્ઞાન લેવામાં અને વધારવામાં વાપરે. સ્મૃતિઓમાં રહેલી આશ્રમવ્યવસ્થા જગતનું હિત કરનારી છે, પણ વર્ણાશ્રમધર્મ માન્ય હોવા છતાં આશ્રમનું જીવન ગીતામાન્ય વ્યાપક ને ભાવનાપ્રધાન સંન્યાસના આદર્શને આગળ રાખી રચાયેલું હોવાથી આશ્રમમાં વર્ણભેદને અવકાશ નથી.

૧૧. સહિષ્ણુતા

આશ્રમની એવી માન્યતા છે કે જગતમાં પ્રચલિત પ્રખ્યાત ધર્મો સત્યને વ્યક્ત કરનારા છે. પણ તે બધા અપૂર્ણ મનુષ્ય દ્વારા વ્યક્ત થયેલા હોઈ બધામાં અપૂર્ણતાનું અથવા અસત્યનું મિશ્રણ થયું છે. તેથી જેવું આપણને આપણા ધર્મ વિષે માન હોય તેટલું જ માન આપણે બીજાના ધર્મ પ્રત્યે રાખવું ઘટે. આવી સહિષ્ણુતા હોય ત્યાં એકબીજાના ધર્મનો વિરોધ નથી સંભવતો, નથી પરધર્મીને પોતાના ધર્મમાં લાવવાનો પ્રયત્ન સંભવાતો; પણ બધા ધર્મોમાં રહેલા દોષો દૂર થાય એવી જ પ્રાર્થના ને એવી જ ભાવના નિત્ય પોષવી ઘટે.