પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આ આદર્શને અવલંબીને આશ્રમમાં મજૂરો અનિવાર્ય હોય ત્યાં જ રાખવામાં આવે છે, ને તેની સાથે શેઠચાકરનો વહેવાર નથી રાખવામાં આવતો.

૮. સ્વદેશી

મનુષ્ય સર્વશક્તિમાન પ્રાણી નથી. તેથી તે પોતાના પાડોશીની સેવા કરવામાં જગતની સેવા કરે છે, આ ભાવનાનું નામ સ્વદેશી છે. પોતાની નજીકની સેવા છોડીને દૂરનાંની સેવા કરવા કે લેવા ધાય તે સ્વદેશીનો ભંગ કરે છે. આ ભાવનાના પોષણથી સંસાર સુવ્યવસ્થિત રહી શકે. તેના ભંગમાં અવ્યવસ્થા રહેલી છે. આ નિયમને અધારે બનતાં લગી આપણે આપણી પડોશની દુકાન સાથે વ્યવહાર રાખીએ; દેશમાં જે વસ્તુ થતી હોય કે સહેજે થઇ શકતી હોય તે વસ્તુ આપણે પરદેશથી ન લાવીએ. સ્વદેશીમાં સ્વાર્થને સ્થાન નથી. પોતે કુટુંબના, કુટુંબ શહેરના, શહેર દેશના, ને દેશ જગતના, કલ્યાણાર્થે હોમાય.

૯. અભય

સત્ય, અહિંસા ઇત્યાદિ વ્રતોનું પાલન નિર્ભયતા વિના અસંભવિત છે. અને હાલ સર્વત્ર ભય વ્યાપી રહ્યો છે ત્યાં નિર્ભયતાનું ચિંતન ને તેની કેળવણી અત્યંત આવશ્યક હોવાથી તેને વ્રતોમાં સ્થાન અપાયું છે. જે સત્યપરાયણ રહેવા માગે તે ન નાતજાતથી ડરે, ન સરકારથી ડરે, ન ચોરથી ડરે, ન ગરીબાઈથી ડરે, ન મોતથી ડરે.

૧૦. અસ્પૃશ્યતાનિવારણ

હિંદુધર્મમાં અસ્પૃશ્યતાની રૂઢિએ જડ ઘાલી છે. તેમાં ધર્મ નથી પણ અધર્મ છે, એવી માન્યતા હોવાને લીધે