પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આપણને મળી હોય તેનાથી તેનો બીજો ઉપયોગ કરવો કે જે મુદ્દતને સારુ મળી હોય તેના કરતાં વધારે મુદ્દત લગી ઉપયોગ કરવો તે પણ ચોરી છે. આ વ્રતના મૂળમાં સૂક્ષ્મ સત્ય તો એ રહ્યું છે કે પરમાત્મા પ્રાણીઓને સારુ નિત્યની આવશ્યક વસ્તુ જ નિત્ય ઉત્પન્ન કરે છે અને આપે છે.તેનાથી વધારે મુદ્દલ ઉત્પન્ન કરતો નથી. તેથી પોતાની ઓછામાં ઓછી આવશ્યકતા ઉપરાંત જે કંઈ પણ મનુષ્ય લે છે તે ચોરી કરે છે.

૬. અપરિગ્રહ

અપરિગ્રહ અસ્તેયના પેટામાં જ રહેલું છે, અનાવશ્યક વસ્તુ જેમ લેવાય નહિ તેમ તેનો સંગ્રહ પણ ન થાય. તેથી જે ખોરાક કે રાચરચીલાની જરૂર નથી તેનો સંગ્રહ તે આ વ્રતનો ભંગ છે. જેને ખુરશી વિના ચાલે તે ખુરશી ન રાખે. અપરિગ્રહી પોતાનું જીવન નિત્ય સાદું કરતો જાય.

૭. જાતમહેનત

અસ્તેય અને અપરિગ્રહના પાલનને સારુ જાતમહેનતનો નિયમ આવશ્યક છે. વળી મનુષ્યમાત્ર શરીરનિર્વાહ શારીરીક મહેનતથી કરે તો જ તે સમાજના ને પોતાના દ્રોહમાંથી બચી શકે. જેનું અંગ ચાલી શકે છે ને જેને સમજણ આવી છે તેવાં સ્ત્રી પુરુષે પોતાનું બધું નિત્યકામ જે પોતે આટોપવાયોગ્ય હોય તે આટોપી લેવું જોઇએ, અને બીજાઓની સેવા વિનાકારણ ન લેવી જોઇએ. પણ બાળકોની, બીજા અપંગ લોકોની અને વૃધ્ધ સ્ત્રીપુરુષોની સેવા પ્રાપ્ત થાય ત્યારે તે કરવાનો સામાજિક જવાબદારી સમજનાર પ્રત્યેક મનુષ્યનો ધર્મ છે.