પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


૧. સત્ય

૨૨-૭-’૩૦
સવારની પ્રાર્થના પછી
 


આપણી સંસ્થાનું મૂળ જ સત્યના આગ્રહમાં રહ્યું છે. તેથી સત્યને જ પહેલું લઉં છું.

‘સત્ય’ શબ્દ સત્ માંથી છે. સત્ એટલે હોવું. સત્ય તે હોવાપણું. સત્ય સિવાય બીજી કોઇ વસ્તુને હસ્તી જ નથી. પરમેશ્વરનું ખરું નામ જ 'સત્' એટલે 'સત્ય' છે. તેથી પરમેશ્વર ‘સત્ય’ છે એમાં કહેવા કરતાં ‘સત્ય’ એ જ પરમેશ્વર છે એમ કહેવું વધારે યોગ્ય છે, આપણું રાજ્યકર્તા વિના, સરદાર વિના ચાલતું નથી. તેથી પરમેશ્વર નામ વધારે પ્રચલિત છે અને રહેવાનું. પણ વિચાર કરતાં તો ‘સત્’ કે ‘સત્ય’ એ જ ખરું નામ છે ને એ જ પૂર્ણ અર્થ સૂચવનારું છે.

અને જ્યાં સત્ય વસે છે ત્યાં જ્ઞાન – શુદ્ધ જ્ઞાન – છે જ. જ્યાં સત્ય નથી ત્યાં શુદ્ધ જ્ઞાન ન જ સંભવે. તેથી ઈશ્વર નામની સાથે ચિત્ એટલે જ્ઞાન શબ્દ યોજાયો છે. અને જ્યાં સત્ય જ્ઞાન છે ત્યાં આનંદ જ હોય, શોક હોય જ નહિ. અને, સત્ય શાશ્વત છે તેથી આનંદ પણ શાશ્વત હોય. આથી જ ઈશ્વરને આપણે સચ્ચિદાનંદ નામે પણ ઓળખીએ છીએ.

આ સત્યની આરાધનાને ખાતર જ આપણી હસ્તી. તેને જ કારણે આપણી પ્રત્યેક પ્રવૃત્તિ. તેને જ કારણે આપણે શ્વાસોચ્છ્વાસ લઈએ. આમાં કરતાં શીખીએ તો