પૃષ્ઠ:Mansaina Diva.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨
માણસાઈના દીવા
 

“પાંચ દિવસથી અહીં જ છું તે તમે તો જાણો છો !”

“પણ એ લોકો કહે છે ને ?”

“છો કહે.”

મહારાજે વધારે કંઈ ખુલાસો કર્યો નહીં. પણ આંહીં વટાદરામાં જ બેઠેલાને પોતાને છેક કાંધરોટીવાળાં લોકોએ શી રીતે ત્યાં કાંસા પર ચાલતો, ચોક્ક્સ પોશાકે આવેલો અને ચોક્ક્સ શબ્દો બોલતો જોયો તે વિશે વિચારમાં પડ્યા. એમાં તે જ દિવસે સાંજે એક નાનકડી બાબત બની : શેઠનું ડેલું હતું, તેની અંદર ઘોડી બાંધી હતી. ઘોડી પગ પછાડે. ઘાસ વિનાની હશે તેમ સમજી મહારાજે પૂળો નાખવા ડેલું ઉઘાડ્યું. ડેલામાં આગળ બે બળદ બાંધેલા. મહારાજ તો અંદર જઈને ઘોડીને પૂળો નાખી, પાછા આવી, ડેલું બંધ કરી બેસી ગયા. શેઠે ત્યાં બેઠે બેઠે આ બધું ચુપચાપ જોયું. પછી શેઠે થોડી વાર રહીને કહ્યું : “હેં મહારાજ ! જૂઠું શીદને બોલો છો ?”

“શીનું જૂઠું ?”

“તમે કાંધરોટીવાળાઓને પરચો પૂર્યો હોવો જોઈએ.”

“કેમ ?”

“કેમ શું ? - આ બળદ, જે કોઈ ડેલામાં પેસવા ન દે, તેણે ન તો તમને માર્યા કે ન તમારી તરફ માથું હલાવ્યું !”

મહારાજ હસી પડ્યા : “જેને આ માણસે ચમત્કારિક શક્તિ કલ્પી તે વસ્તુતઃ સ્વાભાવિક બાબત હતી. પશુનો સ્વભાવ છે કે જે એને મારકણો જાણતો હોય, અને એમ જાણીને એનાથી જરીકે ડરીને ચાલે, તેને એ મારવા દોડે, પણ હું તો બળદ મારકણો છે એના લેશ પણ ખ્યાલ વગરનો, એટલે બળદે મને છેડ્યો નહીં. એને પણ આ તો મારો ચમત્કાર માની બેઠો છે !”

પણ વળતે દિવસે તો કાંધરોટીનાં લોકો ટોળે વળી આવી પહોંચ્યાં, ને મહારાજને પગે પડી ગયાં. બોલ્યાં કે "મહારાજ, તમે ન આવ્યા હોત તો અમે ખલાસ થઈ જાત.”