પૃષ્ઠ:Mansaina Diva.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હાજરી
૨૭
 

ગયા ત્યાં કોઈના પણ કહ્યા વગર આખા ગામના પાટણવાડીઆ એકઠા થઈ ગયા. તેમની સામે ખાટલે બેઠેલ મહેમાનનો હૃદિયો તો ઉપર–તળે થઇ રહ્યો હતો : અરે ! આનું નામ હાજરી ! માણસની અધોગતિને છેલ્લે તળીએ પહોંચાડનારી આ હાજરી ! આ કોમનો એકએક માણસ માના પેટમાંથી નીકળતાં વાર જ ગુનેગાર ઠરી ચૂક્યો ? મરદ તો ઠીક, પણ ઓરત સુધ્ધાં ! ઓરતોની હાજરી પોકરાય; અને 'હાજર' કહેનાર સ્ત્રીના સ્વર માત્ર પરથી શંકા જતાં આટલા ટોળા વચ્ચે આ ત્રણ બદામનો સરકારી મુખી એનો ઘુમટો ઊંચો કરાવી મોં જોઇ સાચ–જૂઠ નક્કી કરે ! અને એ બધાંની ટોચે, ખુદ પોતાની ઓરતોની હાજરી લેવાય એથી આ મરદોને મલકવાનું કારણ મળે !

અંતરના આવા ઉકળાટ પર એ અધરાતે એને થોડી ટાઢક વળી. એકઠાં થયેલાં સ્ત્રી–પુરુષો વચ્ચે એને પોતાપણું લાગ્યું, પોતાનાં આત્મજનો મળ્યાં હોય તેવું લાગ્યું. જાણતા હતા પોતે કે, આમાંનાં ઘણાં ચોરી–લૂંટના કૃત્યો કરનારાં છે; ઈશ્વરને, ધર્મને, પુણ્ય અને નીતિ વગેરે ગુણોનો સુધારેલો સમાજ જે અર્થમાં ઓળખે છે તે અર્થમાં આ લોકો એ સર્વ ગુણોથી સેંકડો ગાઉ વેગળાં પડ્યાં છે. તેમ છતાં આ માણસો એને પોતાનાં લાગ્યાં, હૈયાં–સરસાં જણાયાં. લાંબી વાતો તો એણે કશી કરી નહિ; પણ એણે એટલું જ પૂછ્યું : "આ હાજરી તમને ગમે છે ?"

"ગમતી નથી, બાપજી ! પણ શું કરીએ ? છેક ખેતરોમાં ઘર હોય છે ત્યાંથી બે વાર ગામમાં હાજરીએ આવવું પડે છે; છૈયાં નાનાં હોય તેને રડતાં મૂકીને, ઘરડાં–બુઢ્ઢાંને માંદાંને પણ આવવું પડે છે."

"ને તમારી બાઈઓનાં આવાં અપમાન !........"

લોકો કશો જવાબ વાળી ન શક્યાં. શરમથી સૌ ભોંયદિશે જોઈ રહ્યાં. ત્યાં ઠઠ્ઠા–મશ્કરી કે ઉડામણીનો ઉચ્ચાર સરખોયે કોઇની જીભ ઉપર ફરક્યો નહિ.

મહેમાનને હૈયે આશા ઊગી : આ માણસોમાં હજુ માણસાઈ રહી છે ખરી !