પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લલિતાને લાયક કોઇ ઠેકાણું જડે તો ધ્યાન -"

"બા !" થાંભલીને અઢેલી ઊભેલી લલિતા એના શરીરના ટુકડેટુકડા થઇ જતા હોય તેવી વેદના સંઘરતી બોલીઃ "બા, હવે ચાલશો ? મોડું થાય છે."

મોડું શાનું થતું હતું તે તો લલિતાને માલમ. બાએ કહ્યું: "બેટા, આ અબઘડી જ આવી, હો !" આટલું કહીને પાછું એણે ભનાભાઇને પજવવા માંડ્યું: "તમે તો જાણો છો, ભાઇ ! બધી વાત જાણો છો કે આના બાપની નજર કોના ઉપર હતી. એ ગુજરી ગયા ત્યારે તમે જ એના મોંમાં પાણી દઇને સદગતિ કરાવેલી કે લલિતાનું કાડું તમે -"

એટલું કહેતી કહેતી એ આધેડ વિધવા એકીસાથે હસી પડી તેમ જ થીગડાંવાળા કાળા સાડલાના છેડા વતી આંખો લૂછવા લાગી. ભનાભાઇને સૂઝ ન પડી કે શો ઉત્તર વાળવો. એ ચારેય બાજુ જોતો જાણે કોઇની સહાય શોધતો હતો. એને નાસી છૂટવું હતું.

"બા ! હું તો જાઉં છું." કહેતી લલિતા ખડકી બહાર નીકળી પાછી દિવાલની ઓથે ઊભી રહી.

"એ આવી, હો, બેટા !" એટલું બોલીને ગરજવાનને અક્કલ ન હોય તે પ્રમાણે, પાછું ચલાવ્યું: "એ તો હોય, ભાગ્યની વાત. તમારું સુખ અને ચડતી કળા દેખી મારી આંતરડી ઠરે. પણ આ તો ઓલ્યું તમને બધું ગમતું ખરૂં ને ! વાંકો સેંથો - ને કાનમાં એરિંગ - ને સાંજે ફરવા નીકળવાનું - ને ગાવું વગાડવું - બાઇસિકલ ને પોટુગરાપ - ને ઉંમર પણ બે વરસ વધુ થઇ ગઇ - એટલે અહીં નાના ગામમાં ન્યાતનાં માણસો ગિલા કરે જ ને ! એથી હવે બહારગામ ઠીક-ઠીક સુધારાવાળું ઠેકાણું જડે તો એમ કે ઝટ કરી નખાય. તમે તો ચતુર છો; બધું સમજો છો. દાંતને જીભની ભલામણ શી હોય !"

લલિતાએ સાંજના ઠંડા પહોરમાં બહાર ઊભાં ઊભાં બાનો એકેએક શબ્દ સાંભળ્યો. પોતાનાથી ઊંચા સાદે ચીસ પાડી બેસાશે એવી બીકે એ ત્યાંથી ચાલી નીકળી તોયે બા હજી ખસી જ નહિ. કોઇ પનિહારી