પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જળાશયને આરે પોતાના ફૂટેલા ઘડાનાં ઠીકરાં એકઠાં કરે છે તેની પોતાને સાન ન હોય, ને પછી ભાનમાં આવતાં હાથમાંથી એ ટુકડા પોતાની મેળે જ નીચે પડી જતા હોય, એવી વલે આજે લલિતાની વિધવા માતાની થઇ પડી. ત્રણ વાર એણે "લ્યો બાપા, આવજો !" એમ કહી વિદાય લીધી. તે છતાં પોતે ભનાભાઇના મુખ સામે જોતી જ રહી. ખબર નથી કે છૂટા પડવાની વિધિમાં શું તૂટે છે. કંઇક તૂટતું તો હતું જ.

"ભાઇ !" એ ત્રુટી સાંધતો મામાનો સાદ આવ્યોઃ હવે પછી વાતો ખૂટશે કે નહિ ? ગાડીનો વખત ભરાઇ ગયો છે." એમ કહેતાં મામા એ વિધવા તરફ ફર્યાઃ "ઓહો, ત્રિવેણીબહેન છે ! ત્રિવેણીબહેન ! ભનો તો ચાલ્યો."

"હા, ભાઇ ! બહુ ખુશી થવા જેવું છે."

"મને તો ઘણું ય હતું લલિતા વેરે કરવાનું, ત્રિવેણીબહેન ! પણ સાતમી પેઢીએ આપણે સગોત્રી નીકળીએ છીએ. એટલે હું લાચાર થઇ પડ્યો."

"ના, એમાં શું, ભાઇ !" કહીને વિધવા પગે લાગી રસ્તો લીધો.

એ ઘેર પહોંચી ત્યારે ઘરમાં દીવો નહોતો. પાચ-છ દીવાસળી બગડ્યા પછી જ ફાનસ પેટાવી શકાયું. જોયું તો લલિતા ડામચિયા ઉપર જ માથું ઢાળીને ઊભી ઊભી ઝોલું લઈ ગઇ હતી. ડામચિયા પરનું ગાદલું લલિતાનાં આંસુમાં ભીંજાયું હતું. તે જ વખતે ભનાભાઇને મુંબઇ લઇ જનારી ગાડી જંગલમાં પાવા વગાડતી સૂસવાટ વેગે ચાલી આવતી હતી. લલિતાની રાંડીરાંડ બાને જાણે પચીસ વર્ષનો પેટનો દીકરો ફાટી પડ્યો હોય તેવી વેદના હતી; છતાં છાતી ઉઘાડીને રડવાનો એને અધિકાર નહોતો.

[3]

પહેલાં દુખણાં લઇને સાસુએ જમાઇના હાથમાં અગિયાર રૂપિયા મૂક્યા. તે ઘડીથી જ ભનાભાઇનું દિલ હર્ષ-ગદગદિત બની ગયું. પછી તો જમવામાં બે-ત્રણ શાક અને રોટલીની સાથે કંઇક ને કંઇક મિઠાઇ તો લેવાની ખરી જ. સાયબી પણ એવી કે એક વાર શાક ઠંડું પિરસાયું ત્યારે તરત જ સસરાએ વાટકો પછાડ્યો હતો. સાંજે ઘેર જતાં ક્યાં કોને, કયા શુભ-