પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"બોનને નારાયણ કહેજે. ને મા તો શું આવે, બાપા ! અટાણે આફૂડા-આફૂડા વહેમ ઊઠે ને ! બાકી તો, ઇશ્વર જ્યાં દીકરો દેવા બેઠો હોય ત્યાં કોની દેન છે કે આંચકી લઇ શકે ?"

એમ કહીને એ આવેલ મહેમાને સામી ચોપાટમાં બેઠેલા પેલા સોનેરી બટનના 'સેટ'વાળા, મલમલિયા પહેરણવાળા ને રેશમી કબજાવાળા ગુસ્સેભર્યા જુવાન સામે નજર માંડી; માંડતાં જ કહ્યું: "ઓહો ! મારા બાપ ! તમે અહીં જ બેઠેલ છો એ તો ખબર જ નહિ." એમ કહી, સામી ચોપાટે ચડી, એ પુરુષને બથમાં લઇ હેતપ્રીત ઊભરાઇ જતાં હોય તે રીતે ભેટ્યો.આંહીં સૌરાષ્ટ્રમાં જ કટ્ટર શત્રુઓ એ રીતે ભેટી શકે છે.

આંહીં ડેલીએ જ્યારે આવી વૈરભાવે ટપકતી હેતપ્રીતનો તમાશો મચ્યો હતો ત્યારે ત્યાં અંદર રાણીવાસને ઓરડે એક સુવાવડી સ્ત્રીના ખાટલાની સામે મહેમાને આણેલી ટ્રંક ચૂપચાપ, ઉત્કંઠાભેર ઊઘાડી રહી હતી. વીસેક વર્ષની લાગતી, રૂપાળી, પણ સૌભાગ્યની ચૂડીવિહોણી અને પતિ-મરણ પછી મહાકષ્ટે સાચવી રાખેલા ગર્ભના પ્રસવને કારણે ફીકી પડેલી એ સૂતેલી સ્ત્રીનો જીવ ટ્રંકના તાળામાં ફરતી ચાવીને ચિચૂડાટે ચિચૂડાટે રગેરગમાં લોહીના ધમધમાટ અનુભવતો હતો. ટ્રંકનું ઢાંકણ ઊઘડે તે પૂર્વે તો એણે પોતાની ગોદમાં પડેલા એક તાજા જન્મેલા બાળકને દૂર ખેસવી પણ દીધું હતું - કેમકે એ બાળક નારી જાતિનું હતું.

ટ્રંક ઊધડી. ખૂલતાં જ કોઇક ઓકારી આવે તેવી બાફ નીકળી પડી, ને ઉપલું લૂગડું ખેસવતાં એક ચાર વાસાનું બાળક દેખાણું. બાળકને ઉપાડીને સુવાવડી બાઇના પડખામાં મૂકવા જતી ગોલીના હાથમાં ટાઢુંબોળ લાગ્યું. પણ એ બાળક જીવતું હતું કે મૂએલું તેની તપાસ કરવા જેટલી ખેવના પણ એ અધીરાઇમાં નહોતી.

"મરો રે મરો, રાંડની જણિયું !" એમ કહેતે જ સૂતેલી સ્ત્રીએ પોતાના પડખામાં લીધેલા એ ટ્રંકમાંથી નીકળેલા બળકને ઘા કરી નીચે નાખી દીધું. અને હૈયે શૂળા પરોવાયા હોય એવી વેદનાથી એણે પોતાનું માથું કૂટ્યું: "મારો ભાઇ લાવ્યો તેય મરેલો છોકરો ! મલકમાં ક્યાંય છોકરા મળતા